ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં અનેક પરિવારોમાં શોક

અમદાવાદ: ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણની ઉજવણી દેશભરમાં ધૂમ ધામથી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણી વચ્ચે ઘણા લોકો માટે આ તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘણી જગ્યા પર પતંગની દોરી અને અગાસી પરથી પટકાવવા જેવી દુર્ઘટનાઓએ તહેવારના આનંદને ફીકો પાડી દીધો છે. રાજ્યભરમાં 14 જાન્યુઆરીની રાત્રિ સુધીમાં ઇમરજન્સી સેવાઓના ફોન રણકતા રહ્યા હતા, જે દર્શાવે છે કે સાવચેતીના અભાવે આ વર્ષે પણ નિર્દોષ લોકોએ ભોગ બનવું પડ્યું છે.
ઉત્તરાયણના દિવસે પતંગની દોરીએ ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધો છે. આણંદના ખંભાતમાં પિતાની નજર સામે જ 8 વર્ષના માસૂમ બાળકે ગળું કપાતા જીવ ગુમાવ્યો હતો. આવી જ રીતે અરવલ્લીના બાયડમાં એક સગીર અને ભરૂચના જંબુસરમાં એક યુવક અકસ્માતનો ભોગ બનતા મોતને ભેદ્યા હતા. આ ઉપરાંત, હાલોલ અને નવસારીમાં પણ બાઈક પર જતા લોકોના ગળા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેતપુરમાં પણ વૃદ્ધો અને યુવાનો દોરીનો શિકાર બન્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
આ વર્ષે ઇમરજન્સી કેસોમાં ગત વર્ષની સરખામણીએ મોટો વધારો નોંધાયો છે. 108 સેવાના આંકડા મુજબ, રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5,000 થી વધુ ઇમરજન્સી કોલ્સ આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા 734 કેસ વધુ છે. બપોર સુધી ભલે કેસો ઓછા જણાતા હતા, પરંતુ સાંજ પડતાની સાથે જ અકસ્માતોની સંખ્યામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. દોરી વાગવી, ઊંચાઈ પરથી પડવું અને રસ્તા પરના અકસ્માતોએ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધારી હતી.
પક્ષીઓ અને રસ્તા પરના પશુઓ માટે પણ આ દિવસ ઘાતક રહ્યો હતો. પક્ષીઓના જીવ બચાવવા માટે અંદાજે 340 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જ્યારે પશુઓ માટે 685 જેટલા કેસ સામે આવ્યા હતા. ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ છતાં તેના ઉપયોગને કારણે આટલી મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાયા હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા સતત અપીલ કરવા છતાં આ આંકડાઓ સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર AIUની મોટી કાર્યવાહી, બેંગકોક મુસાફર પાસેથી 42 લાખનું વિદેશી ચલણ જપ્ત કર્યું…



