અમદાવાદ

ગુજરાતમા શિક્ષણ વિભાગનો પરિપત્ર, હીટવેવના પગલે શાળાઓને આપી આ સુચનાઓ…

અમદાવાદઃ ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં તો હીટવેવ પણ શરુ થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને હીટવેવ ઍક્શન પ્લાન-2025નો સ્કૂલોમાં અમલ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેમાં શાળાઓને ખુલ્લામાં વર્ગો ન યોજવા તથા કાર્યક્રમ ન કરવા તેમજ જરૂરિયાત મુજબ શાળાનો સમય બદલવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

ખુલ્લામાં વર્ગો ન યોજવા

ગુજરાતમાં હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવનો શિકાર ન થાય તે માટે હીટવેવ સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં શાળાઓને ખુલ્લામાં વર્ગો ન યોજવા તથા કાર્યક્રમ ન કરવા તેમજ જરૂરિયાત મુજબ શાળાનો સમય બદલવા માટે આદેશ આપ્યો છે. તેમને આ માટે રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ.

વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે શિક્ષકોએ યાદ કરાવવાનું રહેશે

તેમણે વધુમાં જણાવ્યુ કે શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકશે નહિ. ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરીકોએ હીટવેવથી ડરવાની નહિ પણ જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને કરી આટલી અપીલ…

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાયો

હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો, લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી. ચા–કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button