અમદાવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ સહિત ત્રણ હોદ્દેદારને કરવામાં આવ્યા સસ્પેન્ડઃ જાણો શું છે વિવાદ

અમદાવાદઃ હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચર્ચામાં આવી રહી છે. 3500 કરતા વધારે સભ્ય અને આખી વહીવટી કમિટી ધરાવતી પરિષદ દ્વારા ઉપપ્રમુખ અને સાહિત્યકાર દર્શક આચાર્ય તેમ જ ગ્રંથપાલ પરિક્ષિત જોશી અને અન્ય એક સાહિત્યકાર સભ્યને પરિષદમાંથી બે ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિષદના આ નિર્ણય બાદ આચાર્યએ પોતાના ફેસબુક અકાઉન્ટમાં આ માહિતી આપી હતી અને ત્યારબાદ વાદ-વિવાદ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતી ભાષાનાં સમર્થ સર્જક રજનીકુમાર પંડયાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ

શું કહ્યું દર્શક આચાર્યએ?

મુંબઈ સમાચાર સાથે દર્શક આચાર્યએ કરેલી વાત અનુસાર 2021માં તેમના ગઝલ સંગ્રહ સાંસોટ માટે તેમને ગુજરાત સાહત્ય અકાદમી તરફથી 2024માં ઈનામ જાહેર થયું હતું. આ સંગ્રહ 2021માં બહાર પડ્યો હતો. તેમને 2024માં ઈનામ જાહેર થયું ત્યારે પરિષદમાં થયેલા એક ઠરાવ અનુસાર તેઓ આ ઈનામ સ્વીકારી શકે નહીં, તેવી જોગવાઈ અંતર્ગત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે એવો દાવો કર્યો છે કે અન્ય સભ્યો સાથે નિયમની અમલવારીમાં આવી કડકાઈ ન દાખવતા અમુક જ સભ્યો માટે દાખવવામાં આવી છે. તેમના કહેવા અનુસાર 2015થી પસાર થયેલા આ ઠરાવનો કડકાઈથી અમલ થતો ન હતો. આ નિયમનો અમલ 2024માં કરવામાં આવ્યો છે જ્યારે મારો ગઝલસંગ્રહ 2021માં આવ્યો હતો અને મને તેની માટે ઈનામ મળ્યું છે. તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી અનુસાર બે ટર્મ માટે તેઓ ચૂંટણી લડી શકશે નહીં.

શું છે 2015નો આ નિયમ અને શા માટે બન્યો?

ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી બે મોટી સંસ્થાઓ છે. ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી. 2015માં પરિષદે એવો ઠરાવ પસાર કર્યો હતો કે અકાદમી સરકાર સંચાલિત હોવાથી સાહિત્ય-સાહિત્યકારોની સ્વાયતત્તા રહેતી નથી અને તેથી પરિષદના ચૂંટાયેલા સભ્યોએ અકાદમી સાથે આદાન-પ્રદાન કરવું નહીં. આ ઠરાવ સર્વસંમતિથી સ્વીકારાયો હતો. જે પણ કોઈ પરિષદના વહીવટી કામકાજમાં જોડાવા માટે ચૂંટણી લડવા ઉમેદવારી ભરે ત્યારે પણ આ નિયમ સહિત તમામ નિયમોને આધિન રહેવાની બાહેંધરી તેમણે આપવાની હોય છે. તે સાથે જો નિયમોનો ભંગ થાય તો પરિષદને પગલાં લેવાનો અધિકાર પણ છે.

શું કહે છે સાહિત્ય પરિષદના પ્રમુખ?

સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિષદના બંધારણની જોગવાઈ અનુસાર તમામ પ્રક્રિયાઓ નીતિનિયમો અનુસાર કરવામાં આવી છે અને સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિષદ લોકશાહી ઢબેથી જ નિર્ણય લે છે. જે પણ કોઈ ચૂંટાયેલા સભ્ય નિયમબાહ્ય કામ કરે છે અને પરિષદ પાસે તેની પુરાવા સહિતની માહિતી છે, તો તેમની સામે પગલા લેવામાં આવે છે.

શું કહ્યું મહામંત્રીએ?

પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર્શક આચાર્ય અને પિરિક્ષત જોશી બન્ને બે વાર ચૂંટાયેલા હોદ્દેદારો છે અને તેમણે નિયમ ભંગ કર્યો છે તેથી આ કાર્યવાહી તેમની સામે કરવામાં આવી છે. આ કાર્યવાહીનો નિર્ણય કારોબારી સમિતિ અને મધ્યસ્થ સમિતિના તમામ હોદ્દાદારોની હાજરીમાં સર્વાનુમતે કરવામાં આવ્યો છે, અને બન્ને હોદ્દેદારોને તેમની બાજુ સ્પષ્ટ કરવાની તક પણ આપી છે. આ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી, સંસ્થાના દસેક વર્ષ પહેલાના નિયમને આધિન જ કરવામાં આવ્યો છે. આ મામલે પરિક્ષિત જોશીનો સંપર્ક થઈ શક્યો નથી. આ અંગે સોશિયલ મીડિયા પર બહુ ચર્ચા ચાલી રહી છે અને દરેક પોતાનો મત આપી રહ્યા છે.

આ પણ વાંચો: AMC સંચાલિત સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ

શું કહ્યું અકાદમીએ?

આ મામલે અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાએ જણાવ્યું કે સાહિત્યિક સંસ્થાએ સાહિત્યિક કાર્યક્રમને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ અસ્પૃશ્યતાને નાબૂદ કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button