ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 75 ડેમ એલર્ટ પર

અમદાવાદઃ ગુજરાતમાં આજે સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, જામનગર, ભાવનગર, સુરત, અમરેલી, રાજકોટ, વલસાડ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે એવી આગાહી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે.
ત્રણ નદીકાંઠે રહેતા લોકો ખાસ ચેતવણી અપાઈ
રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાનું અનુમાન છે, જેને કારણે નદી-નાળાનો પાણીનો સ્તર વધી શકે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ખેડૂતોએ તેમના પાક અને પાકલક્ષી કામગીરી માટે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હોવાથી તંત્ર દ્વારા પણ ચેતવણી અપાઈ છે, ખાસ કરીને સાબરમતી, તાપી અને નર્મદા નદીકાંઠે રહેતા લોકોને સાવધાન રહેવાની વિનંતી કરવામાં આવી છે.
મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લાંબાગાળાની આગાહીના આધારે ગુજરાતમાં આગામી બે મહિના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આગાહી મુજબ, ખાસ કરીને રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં સરેરાશ જેટલો જ વરસાદ પડવાની આશા છે, જ્યારે ડાંગ અને તાપી, નવસારી તથા વલસાડના કેટલાક વિસ્તારો માટે સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળી શકે છે.
ક્યા ડેમમાં કેટલા પાણીની આવક થઈ?
ગુજરાતના 207 ડેમમાં 69.06% જળસંગ્રહીત થયું છે. જેમાંથી 95 ડેમમાં 70% થી વધુ જળસંગ્રહ થયો હોવાથી તેની પર નજર રખાઇ રહી છે. 95માંથી 75 ડેમ અત્યારે એલર્ટ પર છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 61.57%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 75.77%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65.11%, કચ્છના 20 ડેમમાં 55.33% અને સૌરાષ્ટ્રના 141 ડેમ 66.17% ભરાયા છે. ભારે વરસાદના કારણે ડેમ અને નદી વિસ્તારની નજીક રહેતા લોકોને ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો…આજે ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના…