
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. આગાહી પ્રમાણે આજે ત્રણ સિસ્ટમ સક્રિય થશે તેના કારણે 25મી જુલાઈથી 29મી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે. આ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી શક્યતાઓ છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
એલર્ટની વાત કરવામાં આવે તો, 25મી જુલાઈ એટલે કે આજે વલસાડ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગરહવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના
રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોવાથી દરિયાકાંઠાના જિલ્લાઓના માછીમારોને આજે અને કાલે દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા સરેરાશ 46 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જેના કારણે અનેક ડેમો પણ છલકાયા છે. જ્યારે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાનો છે.
ભારે વરસાદના કારણે 48 ડેમ હાઇ એલર્ટ પર
ડેમની વાત કરીએ તો, નર્મદા ડેમ 58.19 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા કરતા 60 ટકા કરતાં વધુ ભરાઈ ગયા છે. ગુજરાતમાં કુલ 28 ડેમો 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 62 ડેમો 70થી 100 ટકા, 41 ડેમો 50થી 70 ટકા, 37 ડેમો 25થી 50 ટકા અને 38 ડેમો 25 ટકા કરતાં ઓછા ભરાયા છે. ભારે વરસાદના કારણે અત્યારે 48 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ થવાનો છે.
આ પણ વાંચો…સરદાર સરોવર ડેમ 59 ટકા ભરાયોઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ…