
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શકયતાઓ હોવાના આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા જિલ્લાવારની આગાહી પ્રમાણે શુક્રવાર 25 જુલાઈ એટલે કે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની વધારે શક્યતાઓ વર્તાઈ રહી છે. વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ સીઝનનો 50 ટકાથી વધારે વરસાદ થઈ ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ નોંધાયો છે.
અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દાદરા-નગર હવેલી જેવા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં જુદી-જુદી જગ્યાઓએ ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થોડી હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. જો કે, પહેલા કરતા ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી છે. જેથી કોઈ વધારે નુકસાન થશે નહી!
મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આનંદ, વડોદરા અને સુરત જેવા ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી રવિવાર સુધી આ વરસાદી માહોલ યથાવત રહેવાની શકયતા છે. ખેડૂતોએ ખેતી સંબંધિત કામગીરીમાં વિલંબ કરવો પડી શકે છે. આગાહીના કારણે પર્વતીય વિસ્તારોના પ્રવાસ ટાળવા જોઈએ. કારણ કે, થોડી દિવસ પહેલા જૂનાગઢમાં કેટલાક પ્રવાસીયો અટવાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો…મુસળધાર વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું…