
અમદાવાદ : ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. રાજયમાં છેલ્લા બે દિવસમાં ગરમીના પ્રમાણના ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે.
પાંચ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે આજે બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યમાં તાપમાન ઘટ્યું
રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે આવ્યું છે. રાજ્યમાં મંગળવારે 33 ડિગ્રીથી લઈને 39.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ગરમી ઘટીને 38 ડિગ્રી નોંધાઈ હતી.
ગાંધીનગરના તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટના તાપમાનનો પારો 39.4 ડિગ્રી પહોંચ્યો હતો.
આ પણ વાંચો….પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવતઃ આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી