
અમદાવાદ : 11 જુલાઈના રોજ વિશ્વ વસતી દિવસ ઉજવવામાં આવે છે. જોકે, ભારતમાં વર્ષ 2011 બાદ વસ્તી ગણતરીની પ્રકિયા હાથ ધરવામાં નથી આવી. પરંતુ નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ બે સંસ્થા દ્વારા ભારતની વસતી વિશે આંકલન કરવામાં આવ્યું છે. જે મુજબ છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતની વસતીમાં 21 ટકાનો વધારો થયો છે. તેમજ રાજયની વસતી 7.35 કરોડને પાર થઇ છે. જેમાં પણ મહત્વની બાબત એ છે કે વસતીમાં યુવાનોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
વર્ષ 2011 બાદ યુવાઓના પ્રમાણમાં સૌથી મોટો વધારો
વસતીના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2025માં ગુજરાત વસતીમાં કર્ણાટકને પાછળ છોડી 8મું મોટું રાજ્ય બન્યું છે. જયારે કુલ વસતીની 22 ટકા વસતી 1.60 કરોડ માત્ર સુરત અને અમદાવાદમાં છે. અમદાવાદની વસતી 85.53 લાખ થઇ છે. તેમજ દેશના 9 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ કરતાં અમદાવાદની વસતી વધુ છે. જયારે વર્ષ 2011 બાદ 15-24ના વયજૂથમાં યુવાઓના પ્રમાણમાં સૌથી મોટો વધારો થયો છે. તેમની વસતી 15 વર્ષમાં 1.15 કરોડથી 1.43 કરોડ થઇ છે.
વર્ષ 2031 માં દેશનું સાતમું સૌથી મોટું રાજ્ય બને તેવી શક્યતા
આ ઉપરાંત રાજ્યમાં દર બીજો વ્યક્તિ 25 વર્ષથી નાનો અને દર 12મો વ્યક્તિ 60 વર્ષથી વધુ વયનો છે. જયારે ગુજરાતની વસતી 170 દેશોની વસતી કરતાં વધુ છે. વર્ષ 2031માં ગુજરાત તમિલનાડુને પાછળ છોડી 7.81 કરોડની વસતી સાથે દેશનું સાતમું સૌથી મોટું રાજ્ય બને તેવી શક્યતા છે.
સૌથી વધુ વસ્તી ઉત્તર ગુજરાતમાં
ગુજરાતમાં ઝોન વાઈસ વસતી પર નજર કરીએ તો સૌથી વધુ વસ્તી ઉત્તર ગુજરાતમાં 25.80 ટકા છે. જયારે સૌથી ઓછી કચ્છમાં 3. 46 ટકા છે. જયારે મધ્ય પૂર્વમાં 21.63 ટકા, સૌરાષ્ટ્રમાં 25.80 ટકા અને દક્ષિણમાં 20.34 ટકા છે. જયારે ગુજરાતમાં વર્ષ 2011માં ધો.1થી 8માં અભ્યાસ લાયક બાળકો (6-13 વર્ષ) 97 લાખ બાળકો હતા.જે વર્ષ 2025માં 21 ટકા વધીને 1.17 કરોડ થયા છે.
0 થી 14 વર્ષના વય જૂથના 29 ટકા લોકો
ગુજરાતના વસતી પર વયજૂથ મુજબ નજર કરીએ તો જોવા મળશે કે 0 થી 14 વર્ષના વય જૂથના 29 ટકા એટલે કે 2. 12 કરોડ લોકો છે. જયારે 15 થી24 વર્ષના વય જૂથના 1.42 કરોડ, 25 થી 34 વર્ષના વય જૂથના 1.22 કરોડ, 35 થી 49 વર્ષના વય જૂથના 1.40 કરોડ, 50 થી59 વર્ષના વય જૂથના 0.57 કરોડ અને 60 વર્ષે કેતેથી વધુ વય જૂથના 0.58 કરોડ લોકો છે.
આ પણ વાંચો…દેશની વસતી વધારવા જાપાને ગોત્યો રામબાણ ઇલાજ, કર્યું કંઇક એવું…