અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat Politics: ગુજરાતમાં કોણ બનશે પાટીલના અનુગામી? આ નામો છે ચર્ચામાં

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ભાજપે જિલ્લા-તાલુકા-શહેર પ્રમુખોની મોટાભાગની નિમણૂક કરી દીધી છે. જોકે બધાની નજર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દા પર જ રહી શકતા હોવાથી તેઓ પહેલાથી જ પ્રદેશ પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પસંદ કરવા ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપી છે. હાલ તેઓ પણ ગુજરાતમાં છે. જેથી નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આજકાલમાં જ થાય તેવી શક્યતા છે. પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, આ દરમિયાન જ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે.

સી આર પાટીલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાનીપદે કોને બેસાડવામાં આવશે તે મુદ્દે રાજકીય અટકળોનો બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવા હાઈકમાન્ડે મન બનાવ્યું છે. આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતા છે. હાલમાં પાટીદાર મુખ્ય પ્રધાન હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

એક ચર્ચા મુજબ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત કોઈ મહિલાને પ્રમુખ બનાવવામાં આવશે તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. જો મહિલાના નામ પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય તો પછી સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાને પ્રમુખ બનાવાશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. બંનેના નામની ચર્ચા ચાલી રહી છે. હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે. મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે.

નવા પ્રમુખ તરીકે કોઈ પાટીદાર નેતાને મુકાશે નહી. કેમકે હાલમાં મુખ્ય પ્રધાન પાટીદાર જ છે. જ્યારે ભાજપમાં એવો સિલસિલો રહ્યા છે કે, જો મુખ્ય પ્રધાન પાટીદાર હોય તો પ્રમુખ તરીકે પાટીદાર નહી રહે. એ જ રીતે જો પ્રમુખ તરીકે કોઈ પાટીદાર હોય તો પછી મુખ્ય પ્રધાન તરીકે પાટીદારને મુકાતા હોતા નથી. આગામી એક સપ્તાહની અંદર જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નક્કી થઈ જશે તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button