Gujarat પોલીસ એકશનમાં, 7612 આરોપીઓની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોની વધી રહેલી ગુંડાગીરી પગલે પોલીસ એક્શનમાં આવી છે. જે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રીની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને આદેશ આપ્યા હતા.
તેમજ રાજ્ય ડીજીપીએ પણ તમામ જિલ્લા પોલીસ વડાને આરોપીઓ અને અસામાજિક તત્વોની યાદી બનાવીને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.
3264 બુટલેગરો, 516 જુગારીઓ
જે અંતર્ગત મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી ગુનેગારો, 179 માઇનિંગ અને 545 અન્ય અસાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરાયું છે.
અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7, મોરબીના 12 સહિત 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે. 10 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ
724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા
જ્યારે 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. 16 ગેરકાયદે મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. 81 વીજ ચોરી કરતા કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદે વીજ જોડાણ દૂર કરશે.
અમદાવાદ પોલીસે 21 અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી
આ ઉપરાંત અમદાવાદ પોલીસે 21 અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી છે.જેમાં 21 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 12 પોલીસ મથકના 21 ઈસમોની અટકાયત કરી તેમને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયા છે.