Top Newsઅમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં કેટલી સગીરાઓ બની માતા? આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ ભલે “બેટી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કરતી હોય અને રાજ્યમાં વિકાસના બણગા ફૂંકતી હોય, પરંતુ ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે અને 3 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં ચોંકાવનારી વિગત સામે આવી છે. બે વર્ષમાં 1600થી વધુ સગીરાઓ ગમાતા બની હોવાનું સામે આવ્યું હતું.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) ના આંકડાઓને ટાંકીને, ગુજરાત કોંગ્રેસે જણાવ્યું ગુજરાતમાં 13 થી 16 વર્ષની નાની વયે 1633 જેટલી છોકરીઓ માતા બની છે અને રાજ્યના 15 જિલ્લાઓમાં બાળ લગ્નની સ્થિતિ ચિંતાજનક છે, જે બાળ લગ્ન નિષેધ અધિનિયમની અમલવારીમાં રાજ્ય સરકારની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 13 થી 16 વર્ષની વયની કુલ 1633 છોકરીઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન, ગુજરાતમાં બાળ લગ્નની ગંભીર સ્થિતિ અંગેના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 ના આંકડા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે કે ગુજરાતમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 માત્ર કાગળ પર જ રહ્યો છે. સરકારની નજર સામે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, પરંતુ કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી તેવો સ્પષ્ટ આક્ષેપ તેમણે કર્યો હતો.

સર્વે દરમિયાન 13 થી 16 વર્ષની વયની છોકરીઓ ગર્ભવતી મળી આવી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) ના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં બાળ લગ્નનો દર 21.8% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 23.3% કરતા થોડો ઓછો છે, પરંતુ વાસ્તવમાં આ આંકડો ભાજપ સરકાર માટે શરમજનક છે.

સર્વે સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યમાં જિલ્લાવાર ભારે અસમાનતા છે અને કેટલાક જિલ્લાઓમાં બાળ લગ્નનો દર અત્યંત ઊંચો છે. ખેડા જિલ્લામાં બાળ લગ્નનો દર 49.2% નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં બાળ લગ્નનો દર 30% થી વધુ છે. વધુમાં, અન્ય 7 જિલ્લાઓમાં બાળ લગ્નનો દર 23% થી 29.9% વચ્ચે નોંધાયો છે. દોશીએ કહ્યું કે, આ માત્ર આંકડા નથી, પરંતુ સરકારની નિષ્ફળ નીતિઓનો ભોગ બનેલી દીકરીઓની પીડા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button