Gujarat rain forecast : મેઘરાજાએ લીધો લાંબો વિરામ, રાજ્યમાં આજે છૂટોછવાયા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ ના થતા ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે માત્ર છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. આજે પણ મેઘરાજા કઈ ખાસ મહેરબાન થવાના નથી. કારણે કે, હવામાન વિભાગે આજે 07મી ઓગસ્ટ માટે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ આગાહી વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાનો છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, ભરૂચ, સુરત, ગાંધીનગર, મહીસાગર, ડાંગ, તાપી, ખેડા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી
સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી
આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે એક પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી નથી. શહેરોમાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યાં છે. કારણ કે, વરસાદ ના થતાં ભર ચોમાસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતો પણ છેલ્લા 10 દિવસથી સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.
રાજ્યમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્યમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67.67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં માછીમારોને 9 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં ચોમાસું વેકેશન મુડમાં, આ વિસ્તારમાં વરસાદ પુરાવી શકે છે હાજરી…