આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે! 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ આજથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવણી થયાને એક મહિનો થયા બાદ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. તેનો અંત આવી ગયો છે. આજે અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
14 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા આજે 14 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર સિસ્ટમ, મોન્સન ટ્રફ, ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ એમ કુલ 4 સિસ્ટમ સક્રિય થતા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાની વાત કરવામાં આવે તો, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, અરવલ્લી તાપી, ડાંગ, નવસારી, મહીસાગર, સુરત, વલસાડ અને દમણ દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 થી 23 ઓગસ્ટ સુધી પણ સાર્વત્રિક વરસાદ રહેશે
અત્રે નોંધનીય છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ સિવાય 16 થી 23 ઓગસ્ટ સુધી પણ સાર્વત્રિક વરસાદ રહેશે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે તેની સાથે સાથે શહેરમાં પણ લોકો ગરમીથી ત્રાસીને વરસાદની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા 15 દિવસથી વરસાદને વિરામ લીધો છે. જેના કારણે ગરમીનું જોર વધ્યું છે. હવે સારો એવો વરસાદ થાય તો ગરમીથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો…ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં