
અમદાવાદ-મુંબઈઃ દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. શનિવારે કેરળમાં ચોમાસું બેઠું હતું. ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં 8 દિવસ વહેલા થયું હતું. હવામાન વિભાગ દ્વારે રવિવારે ગુજરાતમાં 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વિવિધ સ્થાનોએ વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રવિવાર અને સોમવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ 27 થી 28 મેના રોજ કચ્છમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ મુજબ, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ છે. મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવાની અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.