સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા આપી આભાર વ્યક્ત કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે.
કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
સી આર પાટીલે શું કહ્યું
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અભૂતપૂર્વ વિજય બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાતને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અતૂટ વિશ્વાસ રહ્યો છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ડાકોરમાં કૉંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં, પણ ભાજપને જીતવા પરસેવો વળી ગયો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા એ સમયે ગુજરાત વિકાસનાં ધોરી માર્ગ પર પૂરપાટ ઝડપે દોડી રહ્યું હતું, તેમના વડા પ્રધાન બન્યા એ પછી ગુજરાતનાં વિકાસની ગતિ અનેકગણી વધી છે.
આ અતૂટ અને મૂલ્યવાન વિશ્વાસ બદલ હું ગુજરાતનાં સૌ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું, આ એ કાર્યકર્તાઓ છે-જેમણે “સત્તા થકી સેવા”નાં સંસ્કારને સાકાર કર્યા છે. જનસેવાને જીવનનું સૂત્ર બનાવ્યું છે.
કાલોલ નગરપાલિકામાં ખીલ્યું કમળ
પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી હતી. આ સાથે જ કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ભાજપને 17 અને એક અપક્ષના સમર્થનવાળી બેઠક મળી કુલ 18 બેઠકો મળી હતી. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જીતને વધાવી હતી.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ રહ્યો છે
સલાયામાં ભાજપના સૂપડાં સાફ
સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ભાજપને એક પણ બેઠક મળી હતી.
કૉંગ્રેસને 15 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી હતી. સલાયા રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાના વિસ્તારમાં આવતું હોવાથી પરિણામો જાહેર થયા બાદ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.