
અમદાવાદ : ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બે લોકોના થયા મોત થયા છે. આ દુર્ઘટના શૌચાલયની 15 ફૂટ ઉંડી સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઘટી હતી. જ્યારે આ ગેસ ગળતરની અસર મકાન માલિક અને તેના પરિવારજનો પર થઇ હતી. મૃતક શ્રમિકમાં બીલખાના દિલીપ વાઘેલા અને દિપક ચૌહાણનો સમાવેશ થાય છે. મૃતક સાળા અને બનેવી હતા. આ લોકો ધર્મેન્દ્ર કુબાવત નામની વ્યક્તિના ઘરે સેપ્ટિક ટેન્કની સફાઇ કરી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની હતી. મકાન માલિક ધર્મેન્દ્ર કુબાવત અને તેના પરિજનને પણ અસર પહોંચી છે.
પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
જોકે, આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ મકાન માલિક અને બે યુવકોને ગંભીર અસર થતા આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ મામલે મકાન માલિક સામે ભેંસાણ પોલીસે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આગને બુઝાવવા સમયે ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ; ફાયર કર્મચારીઓ દાઝ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાથી નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી, પરંતુ આ દરમિયાન સતત ગેસ લીકેજ થતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે ભરૂચના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત થયા હતા.