દેશમાં મેલેરિયા નિર્મૂલનમાં ગુજરાતનો કેટેગરી-૧માં સમાવેશ: પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે

અમદાવાદઃ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો હતો. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાના નિદાન માટે અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધી, લોહીના નમૂના એકત્રિત કરીને નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું, તેમજ મેલેરિયા પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન પોરાનાશક કામગીરી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન, ફિવર સર્વેલન્સ, બાંધકામ સાઈટની તપાસ, શ્રમિકોના બ્લડ સ્ક્રિનિંગ તથા લાંબા સમય સુધી પાણી સ્થગિત રહેતું હોય તેવા વિવિધ વિસ્તારોમાં પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવે છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૩૩ ગામોની અંદાજિત ૨.૫૨ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી. રાજ્ય સરકારના મેલેરિયા નિર્મૂલનના અવિરત પ્રયાસોના ભાગરૂપે મેલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫માં ૧૯૬ ગામોની અંદાજિત ૨.૦ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાસાયણિક દવાઓથી થતા પ્રદૂષણના વિકલ્પ રૂપે જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ રાજ્યમાં કુલ ૩,૮૬૩ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર મચ્છરોના ઈંડામાંથી બનતા પોરાનું ભક્ષણ કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતો નથી. આ ઉપરાંત રાજ્યમાં દર વર્ષે સ્પેશિયલ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના પ્રિ મોન્સુન-એપ્રિલ માસ, મોન્સુન-જૂન માસ અને પોસ્ટ મોન્સુન-સપ્ટેમ્બર માસ એમ કુલ ૩ રાઉન્ડ દ્વારા મેલેરિયા નિયંત્રણ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે છે.
મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?
મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.
મેલેરિયાના ચિન્હો
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગવી, ધ્રુજારી આવવી, ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવવો, તાવ એક દિવસના અંતરે અથવા દરરોજ આવવો, માથું અને શરીર દુખવું, કળતર તેમજ ઊલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો થાય જેવા વિવિધ લક્ષણો જોવા મળે છે.
આ પણ વાંચો…વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં થયો મોટો ખુલાસો, વાંચીને ચોંકી જશો