
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે બીજી પત્નીને પણ પતિના પેન્શનમાંથી હિસ્સો અપાવ્યો હતો. પતિના મૃત્યુ બાદ ફેમિલી પેન્શનની રકમ મેળવવા માટે વિધવા પત્નીઓ વચ્ચેના કાનૂની કેસનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો.
સરકારી નોકરીમાંથી નિવૃત થતાં પહેલાં વ્યક્તિએ બે મહિલા સાથે લગ્ન કર્યા હોય એવા સંજોગોમાં કોઇ એક પત્નીને કે પછી બંને પત્નીઓને ફેમિલી પેન્શન મળે એવા કાયદાકીય પ્રશ્નનો જવાબ આપતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત સિવિલ સર્વિસિસ પેન્શન રૂલ્સ, 2002ના નિયમ સ્પષ્ટ કરે છે કે ફેમિલી પેન્શન એકથી વધુ વિધવાને ચુકવવાનો વારો આવે ત્યારે વિધવાઓને સરખાં ભાગે ચૂકવણી કરવાની રહે. એટલે કે, ફેમિલી પેન્શન એક જ પત્નીને આપવા માટેનું કોઇ બંધન નથી.
ચુકવણી ત્રણ મહિનાની અંદર કરવા હુકમ કર્યો
પહેલી પત્ની પેન્શનની હકદાર છે કે બીજી પત્ની એની સ્પષ્ટતા રૂલ્સમાં નથી. ઊલટાનું રૂલ્સ મુજબ વિધવાઓ વચ્ચે સરખાં ભાગે ફેમિલી પેન્શનની ચુકવણીની વાત છે. આ તારણ સાથે હાઇકોર્ટે અરજદાર પત્નીને મૃત પતિના પેન્શનની રકમના અડધા ભાગની ચુકવણી ત્રણ મહિનાની અંદર કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું હતું કે, ગુજરાત સિવિલ સર્વિસિસ પેન્શનના નિયમો મુજબ અને પત્નીએ “ફેમિલી” ની વ્યાખ્યામાં આવે છે અને એમાં કાનૂની રીતે જુદી થયેલી પત્ની અને પતિનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાલતું શ્વાનને લિફ્ટમાં લઇ જતા રોકવામાં આવતા માલિકે સોસાયટી સામે હાઇકોર્ટમાં દાવો માંડ્યો
સરકારી કર્મચારીના લગ્ન નિવૃત્ત થયા પહેલાં થયેલા હોવા જોઇએ
અલબત્ત કે સરકારી કર્મચારીના લગ્ન નિવૃત્ત થયા પહેલાં થયેલા હોવા જોઇએ. આ કેસમાં નિર્વિવાદ છે કે, બંને પત્નીઓના પતિ સાથે લગ્ન નોકરીમાંથી નિવૃતિ પહેલાં જ થયા હતા. એટલું જ નહીં અરજદાર મહિલા મૃત પતિના કાયદેસરના પત્ની હતાં અને પતિએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા. નિયમ એમ પણ કહે છે કે નોમિનેશન ફોર્મ ગમે તે હોય, જ્યારે એકથી વધુ વિધવા હોય ત્યારે તેમને સરખાં ભાગે ફેમિલી પેન્શન વહેંચવું જોઇએ.