અમદાવાદ

રાજ્યની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ જિલ્લાની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેર હિતની અરજી થઈ હતી. જેના પર આજે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, આસીસ્ટન્ટ ડિરેકટરની એક જગ્યા માટે જીપીએસસીએ ઇન્ટરવ્યુ લઇને પસંદગી પામેલ નામો સરકારમાં મોકલી આપ્યા છે.

સુનાવણીના અંતે રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ખાલી પડેલી જગ્યાઓ અને સ્ટેટ કમીશનમાં ખાલી પડેલી પ્રમુખ અને મેમ્બર્સની જગ્યાઓ મામલે થયેલી પીઆઇએલમાં ગુજરાત હાઇ કોર્ટે આજે વિવિધ ગ્રાહક ફોરમોની ભરતી સંદર્ભે તા.4 જુલાઇ સુધીમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ અરજી પર ઝડપથી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

સરકાર દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન અને સ્ટેટ કમીશનમાં સંબંધિત જગ્યાઓ ભરવા અંગે ટાઇમલાઇન સહિતની જરૂરી માહિતી કોર્ટને આપવામાં આવી હતી. જયારે સ્ટેટ કમીશનમાં મેમ્બર્સની નિમણૂંકને લઇ સુપ્રીમકોર્ટમાં મામલો પડતર હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની પ્રિલિમ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઇ હતી, જેની મુખ્ય પરીક્ષા તા.29મી એપ્રિલે લેવાશે. સ્ટેનોગ્રાફરની એપોઇન્ટમેન્ટમાં હજુ ત્રણેક મહિના જેટલો સમય લાગશે. આ સિવાય જુનીયર કલાર્કની ભરતી પ્રક્રિયા હાઇ કોર્ટમાં પડતર કેસને લઇ અટવાઇ છે.

આ પણ વાંચો…લો બોલોઃ ગુજરાત હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં મોબાઈલ ચોરાયાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button