
અમદાવાદ: દુષ્કર્મના બે કેસના ગુનેગાર તથા જોધપુરની જેલમાં કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે જામીન આપવામાં આવ્યા હતા. 7 જુલાઈના રોજ તેના જામીન પૂરા થવાના હતા. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેના જામીન એક મહિના માટે લંબાવવામાં આવ્યા છે.
આસારામને મળ્યા હતા 3 મહિનાના જામીન
સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીના રોજ આસારામને સારવાર માટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે તેને નિર્દેશ કર્યો હતો કે, જો જામીનમાં કોઈ વધારો કરવો હોય તો તે અપીલ કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટના 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે કામચલાઉ જામીન આપ્યા હતા.
7 જુલાઈએ પૂરા થવાના હતા જામીન
આસારામના ત્રણ મહિનાના જામીનની મુદ્દત 30 જૂનના રોજ પૂરી થવાની હતી. પરંતુ આસારામના વકીલની અરજીના કારણે તેને 7 જુલાઈ સુધી લંબાવાયા હતા. ત્યારબાદ ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે તેની સુનાવણી કરી હતી.
આસારામના જામીન છેલ્લીવાર લંબાવાયા
સુનાવણી દરમિયાન આસારામના વકીલે તે વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઑથોરિટીનું સર્ટિફિકેટ રજૂ કરીને જામીનની મુદ્દત ત્રણ મહિના સુધી વધારવાની માંગ કરી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે માત્ર એક મહિના માટે જામીન વધાર્યા છે. ખંડપીઠે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે, આ આસારામના જામીનમાં આ છેલ્લી વખત વધારો કરવામાં આવ્યો છે.
દુષ્કર્મના બે કેસમાં આસારામને આજીવન કારાવાસ
ઉલ્લેખનીય છે કે, આસારામ 2013માં રાજસ્થાન ખાતે પોતાના આશ્રમમાં એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી જ રહ્યા છે. ગાંધીનગરની અદાલતે જાન્યુઆરી 2023માં આસારામને દુષ્કર્મના અન્ય કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો…આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા, હાઈ કોર્ટે આપી રાહત