પહેલગામ હુમલા બાદ ગુજરાત સરકારની પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી, તાત્કાલિક પરત મોકલવાના આદેશ

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સૂચના
રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા માટે તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને સૂચના આપી દીધી છે. આ આદેશ બાદ ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોને તેમના વતન પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હિંદુ શરણાર્થીઓ સામે નહિ કોઇ કાર્યવાહી
જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કાર્યવાહી ફક્ત પાકિસ્તાની નાગરિકો માટે જ રહેશે.
આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાંથી કેટલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા? જાણો