ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, દર વર્ષે 70 હજાર નાગરિકોને આપશે સિવિલ ડિફેન્સની તાલીમ

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશોના સંબંધ વણસ્યા હતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા મજબૂત સિવિલ ડિફેન્સને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં દર વર્ષે લગભગ 70,000 લોકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની કટોકટીઓ વખતે પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંખ્યા હાલમાં તાલીમ પામી રહેલા 1500 વ્યક્તિઓની સરખામણીએ ખૂબ વધારે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પહલગામ હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક વધેલા તણાવે કટોકટીના સમયે રાષ્ટ્રની સેવા કરી શકે તેવા તાલીમ પામેલા કર્મચારીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ રાજ્યમાં સિવિલ ડિફેન્સ મિકેનિઝમને મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી.
દર વર્ષે કેટલા લોકોને આપવામાં આવશે સિવિલ ડિફેન્સની તાલીમ
સૂત્રોના કહેવા પ્રમાણે, રાજ્યમાં દર 1000 વ્યક્તિઓ દીઠ એક વ્યક્તિને સિવિલ ડિફેન્સ પ્રક્રિયાઓ અને પ્રોટોકોલની તાલીમ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં તાલીમ પામી રહેલા 1500 વ્યક્તિઓના બદલે દર વર્ષે આશરે 70,000 વ્યક્તિઓને સિવિલ ડિફેન્સ પ્રક્રિયાની તાલીમ આપવામાં આવશે. હાલમાં, સિવિલ ડિફેન્સ તાલીમ ફક્ત 14 જિલ્લાઓમાં જ આપવામાં આવે છે, પરંતુ સરકારનો ઉદ્દેશ્ય તમામ જિલ્લાઓને આવરી લેવાનો છે.
હાલ કેટલા પ્રકારની સિવિલ ડિફેન્સ તાલીમ આપવામાં આવે છે
રાજ્ય સરકારે સિવિલ ડિફેન્સ તાલીમ માટે જરૂરી તમામ સાધનોની ખરીદી માટે જિલ્લા કલેક્ટરોને સત્તા આપી છે. હાલમાં, ફક્ત 12 પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે, પરંતુ ઉદ્દેશ્ય નાગરિકોને બોમ્બ ડિસ્પોઝલ, ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ, મહત્વપૂર્ણ સંચાર સાધનો વગેરેમાં તાલીમ આપવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિવિલ ડિફેન્સના તાલીમ મોડ્યુલોને તમામ પ્રકારની કુદરતી અને માનવસર્જિત કટોકટીની પરિસ્થિતિઓને આવરી લેવા માટે સુધારવામાં આવશે.
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સિવિલ ડિફેન્સને લઈ સરકારે શું કહ્યું
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલતો હતો ત્યારે સરકારને પ્રતિસાદ મળ્યો હતો કે સિવિલ ડિફેન્સ તાલીમ પામેલા કર્મચારીઓની તીવ્ર અછત છે. સરકારે આધુનિક સિવિલ ડિફેન્સ તાલીમ આપવા માટે એસડીઆરએફ અને જીએસડીએમએમાંથી વિશેષ ભંડોળ આપવાનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં રાજ્યભરમાં ઓછામાં ઓછા 15,000 નવા સ્વયંસેવકોને તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કટોકટીના સમયે સરળતાથી ઉપયોગી થઈ શકે તેવા કોમ્યુનિટી ગ્રુપ, એનસીસી, એનએસએસ, કોલેજો અને અન્ય ગ્રુપો સાથે જનભાગીદારી કરવામાં આવશે.