
અમદાવાદ: સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર ખાતેના લશ્કરી મથકો સહિત ભારતના વિવિધ મહત્વપૂર્ણ સ્થાપનો પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાના પ્રયાસોને ત્વરિત કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યા હતા. અધિકારીઓએ આ સફળ કામગીરીની પુષ્ટિ કરી હતી.
સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સંપૂર્ણ સજ્જ
સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને અસરકારક રીતે નિશાન બનાવીને દુશ્મનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
હર્ષ સંઘવીની તાત્કાલિક બેઠક
દરમિયાન, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ તાત્કાલિક કાર્યવાહીમાં આવી છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક શરૂ કરી છે. આ બેઠકમાં સરહદી સુરક્ષા અને રાજ્યની સલામતીને લઈને મહત્વની ચર્ચા અને આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધુ વધારો સૂચવે છે.