અમદાવાદઃ ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આમ નવા વર્ષમાં નવા જિલ્લાને મંજૂરી મળી છે. 9 જિલ્લાને મંજૂરી મળ્યા બાદ 9 મનપા મ્યુનિસિપલ કમિશ્નરની પણ નિમણૂક કરવામાં આવી છે.
9 મનપામાં મ્યુનિસિપલ કમિશ્નર
નડિયાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મિરાંત પરીખ
પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
મહેસાણા મ્યુનિસિપલ કમિશ્નર રવિન્દ્ર ખટાલે
વાપી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
આણંદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
નવસારી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દેવ ચૌધરી
ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
મોરબી મ્યુનિસિપલ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
રાજ્યમાં હાલ 17 મહાનગરપાલિકા
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 8 મહાનગરપાલિકા છે. આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આથી હવે રાજ્યમાં હાલ 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે.
શું થશે ફાયદો?
નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી થશે.