ગુજરાતનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમ ખાતે યોજાશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમ ખાતે યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક જાણીતા પ્રવાસન સ્થળો આવેલા છે. આ સ્થળો પર લોકોનો ધસારો રહે છે. રાજ્યમાં ધરોઈ ડેમને ગ્લોબલ એડવેન્ચેર ટુરિસ્ટ સ્પોટ તરીકે પ્રમોટ કરવા ધરોઈ ડેમ ખાતે ગુજરાતનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ યોજાશે.

જેમાં વોટર સ્પોર્ટ્સ, એરો સ્પોર્ટ્સ, રોક ક્લાઈમ્બિંગ સહિત અને પ્રવૃત્તિઓનો રોમાંચ માણી શકાશે. સૂત્રો મુજબ, ધરોઈ એડવેન્ચર ફેસ્ટ મે મહિનાના અંતમાં શરૂ થશે અને 30 દિવસ ચાલશે.

શુદ્ધ પાણી, ગ્રેનાઇટની ટેકરીઓ અને સુંદર ટાપુઓના સમૂહથી સમૃદ્ધ ધરોઈ ડેમને ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતમાં વૈશ્વિક કક્ષાના સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા ગુજરાત ટુરિઝમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: મહિલા ટુરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ

ગુજરાતમાં સાહસિક પર્યટનને વિકસાવવા ગુજરાત સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના ભાગરૂપે યોજાનાર પ્રથમ એડવેન્ચર ફેસ્ટમાં ગતિ, સ્લેપ્સ અને આકાશને સ્પર્શી જનારા રોમાંચનો અનુભવ કરી શકાશે. સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્થાનિક ભોજન, તારાદર્શન સહિત ઘણું બધું જોવા મળશે.

એડવેન્ચર ફેસ્ટમાં વોટર સ્પોર્ટ્સ સહિતનો સમાવેશ કરાયો હોઇ પર્યટકોને સુરક્ષાને ધ્યાને લઈ ધરોઇ ડેમના પાણીમાં મગર સહિત અન્ય મોટા જળચર પ્રાણીઓની હાજરી છે કે નહીં તે જાણવા મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા વન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે પણ કરાયો હતો. જેમાં મગરની કોઈ હાજરી જોવા નહીં મળી હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button