ગુજરાત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 200 કરોડની છેતરપિંડી કેસમાં 6 ની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ દ્વારા કરોડો રૂપિયાના ઠગાઈ કેસમાં છ લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં લાખોની ઠગાઈના અનેક બનાવોનો સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્ય સાયબર ક્રાઈમ પોલીસે સાયબર છેતરપિંડી દ્વારા રૂપિયા પડાવતી ગેંગના 6 લોકોની ધરપકડ કરીને ₹200 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આશરે 200 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
મળતી વિગતો પ્રમાણે સાયબર ક્રાઈમ દ્વારા એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે કે, જેઓ અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવીને તેમાં સાયબર ઠગાઈના રૂપિયા જમા કરાવતા હતા. ત્યાર બાદ કોઈને શંકા ના જાય અથવા તો પકડાઈ ના જવાય તે માટે આ રૂપિયાને કેસ અથવા તો ક્રિપ્ટો કરેન્સીમાં બદલી દેતા હતા.એટલું જ નહીં પરંતુ આંગડિયા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા દુબઈ સ્થિત સાયબર ક્રાઈમ ગેંગના આરોપીઓને આ રૂપિયા મોકલતા હતાં. ભારતના અનેક રાજ્યામાં આ લોકોએ આશરે 200 કરોડની સાયબર છેતરપિંડી આચરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
આ ગેંગે સાયબર ક્રાઈમના કુલ 386 ગુનાઓ આચરેલા છે
આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગેંગ દ્વારા કુલ 386 ગુનાઓ આચરવામાં આવ્યા હતા, જેમાં ડિજિટલ અરેસ્ટ, નાણાંકીય છેતરપિંડી, પાર્ટ-ટાઇમ નોકરીઓ આપવી જેવા ગુનાઓ સામેલ છે. આ દરેક ગુનાઓ અને છેતરપિંડી મામલે સાયબર ક્રાઈમ દ્વારા પર્દાફાસ કરી દેવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ સાયબર છેતરપિંડીના રૂપિયા નકલી બેંક ખાતાઓ દ્વારા રોકડમાં રૂપાંતરિત કરાવીને દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ ગેંગના સભ્યોને મોકલ્યાં હતાં. આ ગેંગ માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
આપણ વાંચો: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો



