ગુજરાત કૉંગ્રેસ ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા સોમવારે શોકસભા યોજશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ડૉ. મનમોહન સિંહના નિધનને લઈ ગુજરાત કૉંગ્રેસ દ્વારા સોમવાર શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, પક્ષના ધારાસભ્યો, સાંસદ તથા એઆઈસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું હતું.
ડૉ. મનમોહન સિંહના ગુરુવારે અવસાન બાદ આજે તેમની અંતિમ ક્રિયા નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર બાદ સ્મારક સ્થળને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર બાબતે અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ હજુ પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સમર્થન આપી રહી છે.
અત્યાર સુધી, તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળોએ કરવામાં આવ્યા છે. જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ સર્વોચ્ચ સન્માન ભારત રત્નના હકદાર છે. જેમાં સરકારે દેશના આ મહાન પુત્ર અને તેના ગૌરવશાળી સમુદાયને આદર બતાવવો જોઈએ.
આપણ વાંચો: “મનમોહન સિંહ અમર રહે” પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરાયા. તેના પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવતા હતા. શીખ સમાજે આવનારા, સમગ્ર દુનિયામાં જાણીતા, 10 વર્ષ ભારતના વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 યાર્ડ જમીન પણ ન આપી શકી.’