ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશનમાં બુક કરાવેલી હોટલોનું નથી ચૂકવ્યું ભાડું, હોટલ માલિકોએ શરૂ કરી ઉઘરાણી

અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ 2025માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે. બે દિવસના અધિવેશન માટે શહેરની ઘણી હોટલો બુક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી અધિવેશનમાં બુક કરવામાં આવેલી હોટલોનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. જેને લઈ હોટલ માલિકોએ ઉઘરાણી શરૂ કરી છે.
શહેરમાં કોંગ્રેસના યોજાયેલા અધિવેશનમાં 3000 મહેમાનો માટે 39 હોટલમાં 1600થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા હતા. આ રૂમ હયાત, નર્મદા આઈટીસી જેવી ફાઈવ સ્ટાર હોટલોમાં રાખવામાં આવ્યા હતા. આ પૈકી ઘણી હોટલમાં બે થી ત્રણ દિવસ માટે રૂમ બુક કરવામાં આવ્યા હતા. શુક્રવારે કેટલાક હોટલવાળા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બિલની ઉઘરાણી કરવા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ કોંગ્રેસના ટોચના નેતાઓને મળીને નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેમાં 2000થી વધુ કોંગ્રેસ નેતાઓ સામેલ થયા હતા. 8-9 એપ્રિલે યોજાયેલા બે દિવસીય અધિવેશનમાં અનેક રાજકીય બાબતો અને ભવિષ્યમાં પક્ષને મજબૂત કરવા માટેની વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોંગ્રેસે આ પહેલા 1961માં ભાવનગરમાં અધિવેશનનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો…નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે રાહુલ-સોનિયા ગાંધીને નોટિસ ફટકારી, જાણો કોર્ટે શું કહ્યું