ગુજરાત બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદ : ગુજરાતમાં આવેલા ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ 18 હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો અપાયો
ગુજરાતની આ ચાર હેરિટેજ સાઈટની વિશેષ સાર સંભાળની સાથે આ સ્થળોએ પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે ગત વર્ષ 2024માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ આ ચાર સાઈટની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ 7.15 લાખથી વધુએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે 3.64 લાખથી વધુ પ્રવાસીઓએ રાણીકી વાવ-પાટણ ઉપરાંત 1.60 લાખથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા તેમજ 47 હજારથી વધુ પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત કરી હતી.

પાવાગઢને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો એનાયત
ચાંપાનેર-પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક-ઐતિહાસિક શહેર છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં ગુજરાતના સૌ પ્રથમ “વિશ્વ વિરાસત સ્થળ”નો દરજ્જો એનાયત થયો છે. ગુજરાતમાં આવેલાં શક્તિપીઠો પૈકી અહી આવેલું કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે. તેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપાનેર નામ તેના સેનાપતિ ચાંપરાજ ઉપરથી આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન, વર્ષ 2024માં દેશ-વિદેશના આટલા પ્રવાસીઓએ લીધી મુલાકાત

પાવાગઢની ટેકરીઓ ઉપર અને નીચે વસેલા ચાંપાનેર -શહેરમાં સુલતાનયુગ સુધીનાં સ્થાપત્યો આર્કિયોજિકલ પાર્કની જેમ જોવા મળે છે. પાવાગઢની ટેકરી ઉપર આઠ દરવાજા જોવા મળે છે. પતાઈ રાજાનો મહેલ, કિલ્લાઓની દીવાલો, પાણીનો ટાંકો, કોઠાર, કમાનો વગેરે ખંડેર હાલતમાં અવશેષો રૂપે જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માટે ચાંપાનેર – પાવાગઢની મુલાકાત આનંદમય બની રહે છે.
યુનેસ્કોએ વર્ષ 2014 માં રાણકીવાવને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો
રાણકીવાવ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. આ ઐતિહાસિક વાવનું નિર્માણ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી અને જૂનાગઢના રાજા રા’ખેંગારની પુત્રી ઉદયમતીએ 11મી સદીના અંતભાગમાં કર્યું હતું. યુનેસ્કોએ વર્ષ 2014 માં રાણકીવાવને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે. આ વાવ જોવા દેશ-વિદેશથી હજારો પર્યટકો આવે છે. તેમાં સાત માળનું બાંધકામ જયા પ્રકારની વાવ વાળું છે. વાવમાં અનેક દેવી-દેવતાઓની સાથે આકર્ષક અપ્સરાઓ અને નાગ-કન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. વાવમાં એક નાનો ભેદી દરવાજો પણ જોવા મળે છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટ ઉપર રાણકીવાવની તસ્વીર જોવા મળે છે.

અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી
યુનેસ્કોએ વર્ષ 2017માં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો.