ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી: ભીવાડીમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ નશાના સોદાગરો વિરુદ્ધ વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યની સરહદો બહાર જઈને ગુજરાત ATS એ રાજસ્થાન પોલીસના SOG સાથે મળીને એક ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. 28મી ડિસેમ્બર 2025ના રોજ હાથ ધરવામાં આવેલા આ દરોડામાં કરોડોની કિંમતનું કેમિકલ અને ડ્રગ્સ બનાવવાનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી સ્થિત RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ‘APL Pharma’ નામની કંપનીમાં ગુપ્ત રીતે નશાકારક પદાર્થો બનાવવામાં આવતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 22 કિલો જેટલું સાયકોટ્રોપિક કેમિકલ ‘અલ્પ્રાઝોલમ પ્રીકર્સર’ મળી આવ્યું હતું. આ ઉપરાંત અડધો પ્રોસેસ થયેલો માલ અને અનેક પ્રતિબંધિત કેમિકલ્સના જથ્થા સહિતની સાધનસામગ્રી પણ પોલીસે કબજે કરી છે.
આ દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સ રેકેટના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેક્ટરીમાં કામ કરતા અન્ય ત્રણ શ્રમિકોને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ટોળકી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાર્મા યુનિટની આડમાં ખૂબ જ સાવચેતીપૂર્વક નશાનું ઉત્પાદન કરતી હતી જેથી કોઈને શંકા ન જાય.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ મોટા પાયે ડ્રગ્સ બનાવીને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ધરાવતા હતા. હાલ આ મામલે ભીવાડી ફેઝ-૩ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ કોને સપ્લાય કરવામાં આવતું હતું અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.
આ પણ વાંચો…ગુજરાત ATSની મોટી કાર્યવાહી: પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દમણની મહિલા સહિત બેની ધરપકડ



