ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને દંડકોની નિમણૂક માટેની હલચલ તેજ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ સત્રના પ્રારંભ પૂર્વે જ વિધાનસભાના મહત્વના પદો માટે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ખાસ કરીને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને મુખ્ય દંડકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભાજપ હાઈકમાન્ડે કવાયત તેજ કરી છે. જેઠાભાઈ ભરવાડના રાજીનામાં બાદ ખાલી પડેલા ઉપાધ્યક્ષના હોદ્દા પર હવે કોની વરણી થશે, તે મામલે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, બજેટ સત્રના કામકાજના પહેલા જ દિવસે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આ સાથે જ વિધાનસભામાં શાસક પક્ષના મુખ્ય દંડકની નિમણૂકની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, ભાજપ આ વખતે પણ સંગઠન અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ નામ ફાઈનલ કરશે. વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
વિધાનસભામાં નાયબ દંડક તરીકે કાર્યરત કૌશિક વેકરીયા અને રમણ સોલંકીને મંત્રી મંડળમાં સ્થાન મળતા આ બંને હોદ્દાઓ પણ હાલ ખાલી છે. આ જગ્યાઓ પર નવા ચહેરાઓને તક આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભાજપના સૂત્રો મુજબ, પક્ષ આ વખતે બે કે ત્રણ ટર્મથી સતત ચૂંટાતા અનુભવી ધારાસભ્યો અને ખાસ કરીને OBC સમાજમાંથી આવતા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. અનુભવ અને વહીવટી પકડ ધરાવતા નેતાઓને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.
વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે એટલું સંખ્યાબળ નથી કે તેઓ ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી જીતી શકે અથવા પડકાર ફેંકી શકે. આ સ્થિતિમાં વિપક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવવાની શક્યતા નહિવત જણાય છે. જો વિપક્ષ મેદાનમાં નહીં ઉતરે, તો ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામની વરણી બિનહરીફ થશે. આગામી દિવસોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની મુલાકાત બાદ આ નામો પર આખરી મહોર વાગી શકે છે.
આપણ વાંચો: અમદાવાદ મેટ્રોનો નવો અવતાર: હવે 4 કલર કોડથી ઓળખાશે રૂટ, જાણો તમારી લાઈન વિશે



