અમદાવાદ

ACB ની ટીમ આજે મેદાને! એક જ દિવસમાં ચાર ભ્રષ્ટ સરકારી બાબુને ઝડપી પાડ્યા

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં રૂપિયાની લાલચ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એસીબી દ્વારા છાશવારે કોઈ એક સરકારી કર્મચારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવે છે. ગુજરાત એસીબીની ટીમ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીની ટીમે આજે ખાખીધારી PI, પંચાયતના કર્મચારી, પાણીદાર રોજમદાર અને કેળવણીકાર શિક્ષક એમ ચાર સરકારી બાબુને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો સામે કરેલી કાર્યવાહી અને ગુના અંગે એસીબી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિગતો શેર કરવામાં આવી છે.

સુરતમાં પોલીસ ઇન્સ્પેકટર 3 લાખની લંચ લેતા ઝડપાયા

પહેલા કેસની વાત કરવામાં આવે તો, સુરતમાં પોલીસ ઇન્સ્પેકટર 3 લાખની લંચ લેતા ઝડપાયા છે. વિગતે વાત કરીએ તો, કિમ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા તથા વકીલ (પ્રજાજન) ચિરાગભાઈ રમણીકભાઈ ગોંડલીયા રૂપિયા 03,00,000/-ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. એસીબી દ્વારા તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હની ટ્રેપના ગુનામાં ફસાયેલા ફરિયાદીના ભાઈ સામે ‘ગુજસીટોક’ની કલમ ન ઉમેરવા અને જામીનમાં મદદ કરવાના બહાને PIએ વકીલ મારફતે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં વાત નક્કી થઈ હતી.

7.52 લાખના બિલો મંજૂર 2.80 લાખ માંગ્યાં હતા

બીજી ઘટનામાં કચ્છના નખત્રાણા ખાતે એસીબીએ મોટી કાર્યવાહી કરતા મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને સહકારી મંડળીના મંત્રી ઘનશ્યામભાઇ પટેલને રૂપિયા 2.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે. ફરિયાદીની કંપનીએ સપ્લાય કરેલા માલના રૂપિયા 7.52 લાખના બિલો મંજૂર કરવાના અવેજમાં મુખ્ય શિક્ષકે પોતાના કમિશન પેટે આ રકમની માંગણી કરી હતી. આરોપીની રંગે હાથે ઝડપી પાડવા માટે ભુજમાં છટકું ગોઠવવામાં આવ્યું છે. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા

સાબરકાંઠામાં પણ એસીબીએ મોટી કાર્યવાહી

આ સાથે સાબરકાંઠામાં પણ એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ઇડર તાલુકા પંચાયતમાં ACBની સફળ ટ્રેપ, ગ્રામ વિકાસ શાખા ક્લસ્ટર કોઓર્ડીનેટર કમલ પટેલ અને જિનલબેન લાંચ લેતા ઝડપાયા છે. વિગતે વાત કરીએ તો, ફરિયાદી કન્સ્ટ્રક્શનના બીલો મંજુર કરવા માટેની પ્રક્રિયામાં બીલની રકમના 12% એટલે કે 1.25 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપતો ના હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ આરોપીઓને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આરોપી કમલ પટેલ તથા આરોપીજીન્નતબેન W/O રોનકકુમાર D/O ચંદુભાઇ પટેલને લાંચના રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં. જો કે, આરોપી મેહુલકુમાર રાઠોડ ફરાર હોવાનું જાણવા મળ્યું છે

કરજણ જળાશય સિંચાઈ યોજના પેટાવિભાગ-2, જિલ્લો નર્મદા ખાતે રોજમદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ ખોડાભાઈ વસાવા તથા પેન્શન & પ્રોવીડન્ડ ફંન્ડની કચેરી, જુના સચિવાલય, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા મુકેશભાઇ આર. પટેલની રૂપિયા 4,500/-ની લાંચ લેવાના ગુનામાં મહેશભાઈ વસાવાને એસીબીએ રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. આ તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button