ગુજરાતમાં PMJAY યોજનામાં ગેરરિતી બદલ આટલી હોસ્પિટલ અને ડોકટર સસ્પેન્ડ

અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મુદ્દે સરકારે જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.
સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના
સોમવારે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય 20 પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અને પીએમજય-મા યોજના સંદર્ભે હતા. ખ્યાતિ ઘટના પહેલા PMJAY યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજ્યમાં કુલ 52 હોસ્પિટલ અને 03 ડૉકટર તેમજ ઘટના બાદ 22 હોસ્પિટલ અને 06 ડૉકટર્સ મળીને કુલ 74 હોસ્પિટલ અને 09 ડૉકટર્સ સસ્પેન્ડ કરાયા છે.
આપણ વાંચો: ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાં પારદર્શિતા લાવવા લીધું આ પગલું
કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અમાનવીય છે. હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી અને સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા, છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આપણ વાંચો: રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી કાંડમાં પોલીસ પ્રશાસનનો મોટો ખુલાસો, ત્રણ જણ પકડાયા…
જીએમઈઆરએસ મેડિકલ કૉલેજમાંથી 43 ટીમનું ગઠન કરાયુ
અત્યાર સુધીમાં કુલ રૂપિયા 19.9 કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે. તે ઉપરાંત એન્જીયોગ્રાફી સહિતની વિવિધ પ્રોસીઝરમાં ફરજીયાત વીડિયો કન્સેન્ટ લેવાની જોગવાઇ કરાઇ છે. સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ જીએમઈઆરએસ મેડિકલ કૉલેજમાંથી 43 ટીમનું ગઠન કરાયુ છે.