સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત બીજા ક્રમે, પણ ગુજરાત સ્વસ્થ થયું ખરું?

અમદાવાદઃ ફિટ ગુજરાતના દાવા વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં 65 લાખ દર્દીઓ પાછળ 14922 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 230થી વધુ હૉસ્પિટલ આયુષ્માન યોજનામાંથી નીકળી ગઈ છે.
આ પણ વાંચો..Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન
રાજ્ય સહિત દેશમાં સામાન્ય લોકોને આર્થિક બોજ વગર સારી સ્વાસ્થ્ય સુવિધા મળે તે માટે 2018માં આયુષ્માન યોજનાનો આરંભ થયો હતો. 1 માર્ચ, 2025 સુધીમાં આયુષ્માન યોજનામાં સૌથી વધુ ખર્ચ થયો હોય તેવા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ટોચ પર છે. આ રાજ્યમાં 79,15,520 દર્દી પાછળ 17,787.20 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. જે બાદ ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં આ યોજનાનો 65,05,616 દર્દીએ લાભ લીધો છે અને તેમની પાછળ 14,922.13 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરેક દર્દી પાછળ આયુષ્માન યોજનામાં સરેરાશ 22000 ખર્ચ કરવામાં આવ્યા છે.
દેશમાં કુલ 30957 હૉસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી છે. સરકાર દ્વારા વધુને વધુ હૉસ્પિટલો આ યોજનામાં જોડાય તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. પરંતુ ચૂકવણીમાં ધાંધિયાને પગલે અનેક ખાનગી હૉસ્પિટલો હવે આ યોજનામાંથી બહાર નીકળી રહી છે. 2024-25માં સૌથી વધુ હૉસ્પિટલો આ યોજનામાંથી બહાર નીકળી હોય તેમાં ગુજરાત મોખરે છે. રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં 230 હૉસ્પિટલ બહાર થઈ ગઈ છે. વર્ષે 2019-20માં 61, 2021-22માં 93, 2023-24માં 57 અને 2024-25માં 22 હૉસ્પિટલો વિવિધ કારણોસર યોજમાંથી બહાર નીકળી ગઈ હતી.
આ પણ વાંચો..Gujarat Vidyapith ના વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી, કુલાધિપતિ શિષ્યવૃત્તિ સહિત ફેલોશિપ યોજના અમલી કરાશે…
ગુજરાતમાં આ વર્ષે 14 જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હૉસ્પિટલોએ રૂપિયા 31.58 કરોડના ખોટા બિલ મૂકીને ક્લેઇમ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખ્યાતિ હૉસ્પિટલનો કાંડ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું અને આવી હૉસ્પિટલો પર આકરી કાર્યવાહી કરી હતી. જોકે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ સતર્ક રહ્યું હોત તો ખોટા ક્લેઇમ પાસ કરાવવાનો આ આંક હજુ વધારે ઊંચો ગયો હોત તેમ જાણકારોનું માનવું છે.