
અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની ૨૩૦૦ જગ્યાઓ પર ભરતીને લઈ એક મોટા અપડેટ આપ્યા છે. મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની ૨૩૦૦ જેટલી જગ્યાઓ પરની ભરતીને અંગે આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નોટિફિકેશન પ્રકાશિત કરીને જણાવ્યું હતું.
ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યું નોટિફિકેશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણની ૨૩૦૦ જેટલી જગ્યાઓ પર ભરતીની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ભરતીના નિયમોમાં કર્યો છે ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં જ રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતીની નિયમમાં મોટાપાયે ફેરફાર કર્યો હતો. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ 3ની જગ્યા માટે 12 પાસની શૈક્ષણિક લાયકાત માન્ય હતી પરંતુ નવા નિયમો અનુસાર સરકારે રેવન્યુ તલાટી માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરી નાખી છે. રેવન્યુ વિભાગે ઉંમર મર્યાદામાં પણ વધારો કર્યો કરીને 33 વર્ષની ઉંમર મર્યાદાને સ્થાને 35 વર્ષની ઉંમરમર્યાદા કરી છે.