અમદાવાદ

હવે ગુજરાત એસટી કરાવશે રાજ્યના તીર્થસ્થળોની સફર, ટૂરિસ્ટ સર્કિટ બનાવવાની વિચારણા

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સતત તેની સુવિધાઓને વધારે સારી અને આરામદાયક બનાવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. ગુજરાત એસટી નિગમે શ્રવણ તીર્થ દર્શન યોજના ઉપરાંત મહાકુંભ માટે સ્પેશિયલ બસ દોડાવી હતી ત્યારે હવે એસટી નિગમ રાજ્યના તીર્થસ્થળો અને ફરવાના સ્થળો માટે આગામી દિવસોમાં ટૂરિસ્ટ પેકેજ શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે.

ટૂરિસ્ટ સર્કિટ બનાવવાની વિચારણા

હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થસ્થળો અને ફરવાના સ્થળો માટે આગામી દિવસોમાં ટૂરિસ્ટ પેકેજ શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે. ગુજરાત એસટી અને ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ રૂટ પર ટૂરિસ્ટ સર્કિટ બનાવવા જઈ રહ્યું છે.

આપણ વાંચો: Gujarat એસ.ટી. નિગમ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે

કેટલું રહેશે ભાડું?

ગુજરાત એસટીનાં આ પેકેજમાં એક રાત તેમજ બે દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોમાં રૂટ નક્કી થયા બાદ ભાડું નક્કી કરવામાં આવશે. જેમાં તમામ રૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડું, હોટલ, રહેવા જમવાનો ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિંમત નક્કી કરવામાં આવશે. આ ટૂર પેકેજ 2,000 રૂપિયાથી લઈ 5,000 રૂપિયા સુધીના હોય શકે છે.

કયા રુટનો થઈ શકે છે સમાવેશ?

હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર વિકેન્ડના દિવસે લોકો પરિવાર સાથે આ રૂટ પર યાત્રાનો લાભ લઈ શકે તે માટે આ ટૂરિસ્ટ પેકેજનું સંચાલન સપ્તાહના અંતે એટલે કે શનિવાર રવિવારના રોજ કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતનાં મહત્વના તીર્થસ્થાનોને આ ટૂરિસ્ટ પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવી શકે છે.

જેમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર, હરસિદ્ધિ માતા મંદિર, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ, સેલવાસનો સમાવેશ થઈ શકે છે. તેમજ કચ્છમાં માતાનો મઢ, સફેદ રણ, નારાયણ સરોવર, કોટેશ્વર તેમજ ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી, બહુચરાજીનો સમાવેશ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button