અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી જાહેરાત: હવે બ્લોકચેનથી સરકારી દસ્તાવેજો થશે સુરક્ષિત

જન્મ-મરણના દાખલા અને ફાયર NOC જેવી સુવિધાઓ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર
અમદાવાદ: શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે હવે બ્લોકચેન ટેકનોલોજીનો આશરો લેવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમ દ્વારા સરકારી સેવાઓમાં થતી મેન્યુઅલ ભૂલો અને દસ્તાવેજોમાં છેડછાડની શક્યતાઓને જડમૂળથી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પહેલ સાથે અમદાવાદ દેશભરની મહાનગરપાલિકાઓ માટે એક નવું ઉદાહરણ પૂરું પાડશે.
AMC દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર આ પ્રોજેક્ટનો પ્રારંભ સૌ પ્રથમ ‘ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ’ (TDR) સિસ્ટમથી કરવામાં આવશે. ત્યાર બાદ તેનો વ્યાપ વધારીને જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન, ફાયર NOC, વાહન અને પાલતુ પ્રાણીઓની નોંધણી તેમજ વેક્સિનેશન સર્ટિફિકેટ જેવી મહત્વની નાગરિક સુવિધાઓને પણ બ્લોકચેન પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. આનાથી નાગરિકોને ઘરે બેઠા જ વિશ્વસનીય ડિજિટલ દસ્તાવેજો મળી શકશે.
અત્યાર સુધીની પરંપરાગત પેપર-આધારિત પદ્ધતિમાં રેકોર્ડ સાચવવા અને તેની ખરાઈ કરવામાં ઘણો સમય જતો હતો. બ્લોકચેન ટેકનોલોજીના અમલીકરણથી ભૌતિક રજિસ્ટરોની જરૂરિયાત ઘટશે અને ડેટા સાથે છેડછાડ કરવાનું અશક્ય બનશે. આ પ્લેટફોર્મ પર સંગ્રહિત માહિતી ‘ઇમ્યુટેબલ’ એટલે કે અપરિવર્તનીય હશે, જેનો અર્થ છે કે એકવાર ડેટા એન્ટ્રી થયા બાદ તેમાં કોઈ અનધિકૃત ફેરફાર કરી શકાશે નહીં. આ સિસ્ટમ ઇન્સ્ટન્ટ ડિજિટલ વેરિફિકેશનને સક્ષમ બનાવશે, જેથી સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
આ નવું ડિજિટલ માળખું એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ટેકનોલોજી અને માઇક્રોસર્વિસિસ પર આધારિત હશે. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે આ પ્લેટફોર્મ વિકસાવતી વખતે રાષ્ટ્રીય ડેટા પ્રાઇવસી કાયદા, આધાર નિયમન અને ઈ-ગવર્નન્સના ધોરણોનું કડક પાલન કરવામાં આવશે. આનાથી નાગરિકોના ખાનગી ડેટાની સુરક્ષા સુનિશ્ચિત થશે અને સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધશે. આ પ્લેટફોર્મ ભવિષ્યમાં TDR ટ્રાન્ઝેક્શન માટે એક ગતિશીલ માર્કેટપ્લેસ તરીકે પણ કામ કરશે.
આ હાઈટેક પ્લેટફોર્મનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમામ મંજૂરીઓ અને પ્રમાણપત્રો રિયલ ટાઇમમાં ઉપલબ્ધ થશે. એજન્સીને આપવામાં આવતા વર્ક કમ્પ્લિશન સર્ટિફિકેટ પણ આમાં સામેલ હોવાથી કામની ગુણવત્તા અને સમયમર્યાદામાં સુધારો આવશે. સુરક્ષિત ડિજિટલ અપ્રુવલ અને ઓડિટેબલ રેકોર્ડ્સના કારણે ભ્રષ્ટાચારને અવકાશ રહેશે નહીં. આ રીતે AMC શહેરી શાસનમાં રહેલી અસમર્થતાઓને દૂર કરી વ્યાપાર અને નાગરિકો માટે વધુ સુલભ વાતાવરણ તૈયાર કરવા માંગે છે.



