સરકાર અને ક્ષત્રિય સમાજ ફરી એક વખત સામ-સામે, અમરનાથ મંદિર વિવાદમાં પી.ટી. જાડેજાની ધરપકડ

અમદાવાદ: રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા બાબતે ધમકી આપવાના આરોપમાં પોલીસે તેમની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
શું છે આખો મામલો?
સૂત્રો પાસેથી મળતી પ્રમાથમિક માહિતી અનુસાર રાજકોટના રિંગરોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં યુવાનોને મહાઆરતી કરવાની મનાઈ કરવામાં આવી હતી, જે બાદ પી.ટી. જાડેજાએ મંદિરના સેવકને ધમકી આપી હોવાનું જણાયું હતું. આ ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસે 4 જુલાઈ, 2025ના રોજ પી.ટી. જાડેજાની ધરપકડ કરી અને તેમને સાબરમતી જેલ મોકલ્યા હતા. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ધરપકડનો વિરોધ કર્યો.
મીડિયા અહેવાલ પ્રમાણે ક્ષત્રિય સમાજના નેતા જયેન્દ્રસિંહ જાડેજાએ આ કાર્યવાહીને ‘અન્યાયી’ ગણાવા સાથે સરકારે ઉતાવળે પગલું ભર્યા હોવાની વાત પણ કરી. તેમણે સરકાર સાથેના વિવાદનું ઉચ્ચારણ કરતા ચીમકી આપી કે, સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે. હવે ક્ષત્રિય સમાજને સરકાર સામે કોઈ વાંધો નથી તેમ છતાં જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે.
પાસા એક્ટ શું છે?
પાસા એક્ટ, 1985, ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પોલીસ અને જિલ્લા વહીવટને ગુંડાગીરી, હથિયારોનો ઉપયોગ કે ધમકી જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો અધિકાર છે. આ ઘટના બાદ રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો છે, અને ક્ષત્રિય સમાજના વિરોધે સરકાર પર દબાણ વધાર્યું છે.