અમદાવાદ

કૉંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગિરિજા વ્યાસ પૂજા દરમિયાન દાઝ્યાં, અમદાવાદમાં લઈ રહ્યા છે સારવાર

અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગિરિજા વ્યાસ આરતી કરતી વખતે ગંભીર રીતે દાઝી ગયા હતા. 79 વર્ષીય ગિરિજા વ્યાસ પૂજા કરતા હતા ત્યારે સાડીના પાલવમાં દીવાથી આગ લાગી હતી. થોડીવારમાં તેઓ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. તેમને તાત્કાલિક ઉદયપુરની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતી.

ગિરિજા વ્યાસને અમદાવાદની ઝાયડસની હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરના કહેવા મુજબ, તેમની હાલત ગંભીર છે. તેઓ 89 ટકા દાઝી ગયા છે. આગની જવાળામાં લપેટાયા બાદ પડી જવાથી તેમને માથામાં ઈજા પહોંચી છે. ડૉક્ટરે જણાવ્યું, તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં મોટો સમય લાગશે.

શું છે મામલો

ગિરિજા વ્યાસ તેમના ઘરમાં ગણગૌરની પૂજા કરતા હતા. આ દરમિયાન આગ લાગી હતી. ગિરિજા વ્યાસની સાડીમાં આગ લાગતાં દાઝી ગયા હતા. આગના કારણે તેઓ પડી ગયા હતા. ગિરિજા વ્યાસના ભાઈ ગોપાલ શર્માએ કહ્યું, સોમવારે પૂજા કરતી વખતે તેમની સાડીમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ઉદયપુરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા.

કોણ છે ગિરિજા વ્યાસ

ગિરિજા વ્યાસે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અનેક હોદ્દા પર કામ કર્યું છે. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1985-1990 સુધી ધારાસભ્ય હતા અને રાજસ્થાન સરકારમાં પ્રવાસના રાજ્યપ્રધાન હતા. 1991માં તેઓ પ્રથમ વખત સાંસદ તરીકે વિજેતા બન્યા હતા. તેઓ ઉદયપુરથી ત્રણ વાર સાંસદ રહ્યા છે. 1996 અને 1999માં કૉંગ્રેસની ટિકિટ પર ઉદયપુરથી સાંસદ બન્યા હતા. 2009માં ચિત્તોડગઢથી લોકસભાની ચૂંટણી જીતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button