અમદાવાદ

૨૦૨૬થી ૨૦૩૬ આવશે અમદાવાદનો દસકો, શહેરમાં યોજાશે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ…

અમદાવાદ: શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે.

મુખ્ય ભૂપેન્દ્ર પટેલ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે, જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરિફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. શહેર નવા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ગ્રોથના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી આગામી શોનું મહત્વ વધશે.

ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે ૨૦મો GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે અમદાવાદનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી ગતિ અનુભવતો જોવા મળી રહ્યો છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી તથા ૨૦૩૬ના સમર ઓલિમ્પિક્સ માટે બિડ કરવાની તેની યોજના શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે.

આ વિકાસથી મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે, નોંધપાત્ર રોકાણ આકર્ષાશે અને રહેણાંક, વ્યાપારી તથા અન્ય ક્ષેત્રોમાં મજબૂત માંગ ઊભી થશે, જેના પરિણામે અમદાવાદની લાંબા ગાળાની આર્થિક શક્યતાઓ વધુ મજબૂત બનશે. શહેરના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેમ વાસવાનીએ કહ્યું હતું.

ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ આલાપ પટેલે જણાવ્યું કે, ૨૦૨૬થી ૨૦૩૬એ “હવે અમદાવાદ નો દસકો છે” અને તેને અનુરૂપ જ અમો પ્રોપર્ટી ઓલિમ્પિયાડ કરી રહ્યા છીએ. પ્રોપર્ટી ઓલિમ્પિયાડના મુલાકાતીઓને તેમના બજેટ અને પસંદગીઓને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મળી રહશે.

“આ કાર્યક્રમમાં અફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસ, વીકએન્ડ હોમ્સ તથા પ્લોટેડ પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓને અહીં અનેક વિકલ્પો શોધવાની, ડેવલપર્સ સાથે સીધી ચર્ચા કરવાની અને સ્થળ પર જ વ્યાપક માહિતી મેળવવાની સાથે લોન અંગેની માહિતી મેળવવાની તક પણ મળી રહેશે. અમે રિયલ એસ્ટેટ ક્ષેત્ર અંગે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંભવિત પ્રોપર્ટી ખરીદદારો અને રોકાણકારો આકર્ષિત થશે તેમ પટેલે જણાવ્યું હતું.

GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં અમદાવાદ તેમજ તેની આસપાસના હાલના અને આગામી ગ્રોથ કોરિડોર્સના અગ્રણી ૬૦થી વધુ ડેવલપર્સના ૪૦૦થી વધુ અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે, જેમાં કોમર્શિયલ, પ્લોટિંગ સ્કીમ્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, પ્રદર્શનમાં નાણાકીય સંસ્થાઓ પણ ભાગ લઈ રહી છે, જે સંભાવિત ખરીદદારોને લોન તથા ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ અંગે માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

વર્ષોથી GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ અમદાવાદના સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રદર્શનોમાંનું એક બની ગયું છે અને પારદર્શકતા તથા સરળતા વધારીને ડેવલપર્સ અને ગ્રાહકો વચ્ચેનો અંતર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની ૨૦મી આવૃત્તિ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રના સંગઠિત વિકાસને વધુ મજબૂતી આપશે તેવી અપેક્ષા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button