ઘોઘા અને દહેજ વચ્ચે રો રો ફેરી ઠપ થયા પછી, પ્રોજેક્ટ ‘તપાસ’ના સાણસામાં આવ્યો?

અમદાવાદઃ ગુજરાતમાં ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે શરૂ કવામાં આવેલી રો-પેક્સ ફેરી પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવી છે. ખંભાતના અખાતમાં ડ્રીમ પ્રોજેક્ટ હવે ગેરવહીવટ, તકનીકી નિષ્ફળતા અને જાહેર નાણાંના બગાડની સ્ટોરીમાં ફેરવાઈ ગયો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 400 કરોડથી વધુના નાણાં ખર્ચાયા હોવા છતાં, દહેજમાં જેટી પાસે ભારે કાંપ જમા થવાને કારણે રો પેક્સ ફેરી સેવા બંધ થઈ ગઈ હોવાથી જહાજો માટે ડોક કરવું અશક્ય બન્યું છે. હવે, સરકારે કાર્યવાહી શરૂ કરી છે અને આ મોટી નિષ્ફળતા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
300 કિમીનું અંતર ઘટાડીને 31 કિમી કરવાનો હતો હેતુ
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરશે તેવી અપેક્ષા હતી. અગાઉ, લોકોને 300 કિમીથી વધુ રોડ મુસાફરી કરવી પડતી હતી. આ ફેરીનો ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે આ અંતર ઘટાડીને માત્ર 31 કિમી કરવાનો હતો. 2017 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ધામધૂમથી આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ મૂળ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. લોન્ચ પછી તરત ટેકનિકલ અને પર્યાવરણીય પડકારો સપાટી પર આવવા લાગ્યા હતા.
દહેજ જેટી નજીક કાંપ જમા થઈ જવાનો મુખ્ય મુદ્દો હતો. ખંભાતનો અખાત તેની ઊંચી ભરતી અને ઝડપી વહેતા પાણી માટે જાણીતો છે, જે ભારે કાંપ-કાદવ જમા થવા તરફ દોરી જાય છે. આ જાણીતી સમસ્યા હોવા છતા કોઈપણ જાતના ઉકેલ વિના ફેરી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. દહેજ ખાતે રો-રો ટર્મિનલ બનાવવા માટે રૂ. 150 કરોડ ખર્ચવામાં આવ્યા હતા અને રૂ. 200 કરોડથી વધુ મૂડી અને જાળવણી ડ્રેજિંગ પર ખર્ચવામાં આવ્યા હતા, જેમાં ફેરી કામગીરી માટે પાણીની ઊંડાઈ જાળવવા માટે કાદવ દૂર કરવાનો સમાવેશ થતો હતો. આટલા મોટા ખર્ચ પછી પણ, પ્રોજેક્ટમાં અડચણો આવતી હતી.સતત કાંપ જમા થવાને કારણે ફેરી જેટી સુધી પહોંચી શકી નહીં. પરિણામે, સેવાઓ બંધ થઈ ગઈ હતી.
વધતી જતી ટીકા અને કામગીરીમાં નિષ્ફળતાઓને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પ્રોજેક્ટને ગુજરાત મેરીટાઈમ બોર્ડથી કેન્દ્ર સંચાલિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. આ ટ્રાન્સફર 3 નવેમ્બર, 2020 ના રોજ હસ્તાક્ષર કરાયેલા રાઇટ ઓફ યુઝ (RoU) કરાર દ્વારા ઔપચારિક રીતે કરવામાં આવ્યું હતું. આ કરારમાં માત્ર ઘોઘા અને દહેજ ટર્મિનલ જ ટ્રાન્સફર કરવામાં આવ્યા ન હતા પરંતુ હજીરા ખાતેની જમીનનો પણ સમાવેશ થતો હતો. જ્યાં DPA એ પાછળથી કાયમી રો-રો ટર્મિનલ સફળતાપૂર્વક બનાવ્યું હતું. હાલમાં, ઘોઘા-હઝીરા ફેરી સર્વિસ આ ટર્મિનલ પરથી સારી રીતે ચાલી રહી છે. જોકે, દહેજ ખાતે આમ થઈ શક્યું નથી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ઓથોરિટી દહેજ ટર્મિનલને ગુજરાત મેરીટાઈમ બોર્ડને પાછું સોંપવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ગુજરાત મેરીટાઈમ બોર્ડે બહુ ઓછો રસ દાખવ્યો છે.
આ પણ વાંચો…ઓવરટેક કરવા જઈ રહેલા ડમ્પરે આખા પરિવારને કચડી નખ્યો