કેન્સર એટલે ‘કેન્સલ’ નહીં: GCRI એ 6 મહિનામાં 50 રોબોટિક સર્જરીનો નવો રેકોર્ડ બનાવ્યો…

અમદાવાદ: વિશ્વ કેન્સર દિવસના રોજ GCRI એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જેમાં 10 વર્ષથી વધુ સમયથી કેન્સર મુક્ત જીવન જીવી રહેલા 500 ‘કેન્સર સર્વાઇવર્સ’નું સન્માન કરવામાં આવશે. આ સમારોહ દ્વારા સમાજને એ સંદેશ આપવામાં આવશે કે કેન્સર એટલે ‘કેન્સલ’ નહીં, પરંતુ જો સમયસર સારવાર મળે તો આ જીવલેણ રોગને ચોક્કસપણે હરાવી શકાય છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) આજે કેન્સરની અત્યાધુનિક સારવાર અને સંશોધન માટે ભારતભરમાં એક મજબૂત કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જે સંસ્થાના આધુનિકીકરણનું સપનું જોયું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. વિશ્વ કેન્સર દિવસ 2026 નિમિત્તે જાહેર થયેલા આંકડા મુજબ, GCRI માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્યો માટે પણ આશાનું કિરણ બની છે. વર્ષ 2025માં અહીં નોંધાયેલા નવા દર્દીઓમાંથી અંદાજે 35 ટકા દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવ્યા છે.
આ પણ વાંચો…World Cancer Day 2026: રસોડામાં રહેલાં પાંચ મસાલા છે કેન્સર સામે લડવાનું હથિયાર…
સર્જિકલ ઓન્કોલોજી ક્ષેત્રે GCRIએ ક્રાંતિકારી પ્રગતિ કરી છે. સંસ્થાએ છેલ્લા 6 મહિનામાં રેકોર્ડબ્રેક 50 ‘રોબોટિક આસિસ્ટેડ’ કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઉપરાંત, પેટના કેન્સર માટે અત્યંત જટિલ ગણાતી HIPEC પ્રોસીજરના પણ 40 સફળ કિસ્સા નોંધાયા છે. નિદાનની વાત કરીએ તો, વર્ષ 2021ની સરખામણીએ 2025માં PET-CT સ્કેનની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, જે દર્શાવે છે કે દર્દીઓને હવે સચોટ અને ઝડપી નિદાનની સુવિધા સરકારી દરે ઘરઆંગણે મળી રહી છે.
સેવા અને સમર્પણના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025માં GCRI ખાતે 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ નોંધાઈ હતી. આ એક વર્ષમાં જ 17,800થી વધુ જટિલ સર્જરીઓ અને 50 હજારથી વધુ કીમોથેરાપી સેસન્સ આપવામાં આવ્યા છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવાર પણ અહીં 50 જેટલા દર્દીઓને મળી છે. હોસ્પિટલના લેબોરેટરી વિભાગે 24.6 લાખથી વધુ તપાસ કરીને દર્દીઓના નિદાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કેન્સરને હરાવવા માટે ‘વહેલું નિદાન’ અનિવાર્ય છે. આ ઉદ્દેશ્ય સાથે GCRIએ વર્ષ 2025માં 110 જેટલા સ્ક્રીનિંગ કેમ્પ કરીને 12,000થી વધુ લોકોની તપાસ કરી હતી. સંસ્થાની ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’ દ્વારા 50,000 લોકોની તપાસમાં 118 કેસ શરૂઆતના તબક્કામાં જ પકડાઈ ગયા હતા, જેમને સમયસર સારવાર મળતા જીવતદાન મળ્યું છે. ખાસ કરીને HIV સંક્રમિત મહિલાઓ માટે HPV DNA ટેસ્ટિંગ દ્વારા ગર્ભાશયના કેન્સરની તપાસમાં પણ સંસ્થાએ સરાહનીય કામગીરી કરી છે.



