IVF ની નિષ્ફળતા હવે ભૂતકાળ બનશે! GBU ના વિદ્યાર્થીઓએ વિકસાવી દેશની પ્રથમ mRNA-આધારિત IVF સપોર્ટ થેરાપી

અમદાવાદ: ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે એમઆરએનએ-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે.
આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત ‘ડબલ્યુએએએચ સાયન્સ લોરિએટ એવોર્ડ્સ ૨૦૨૫’ માં ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.
આપણ વાચો: ગુજરાત બાયોટેકનોલજી યુનિવર્સિટીને ગેટ્સ ફાઉન્ડેશન કરશે 1.3 કરોડની સહાય, મહિલાઓને થશે આ લાભ…
આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે.
આજકાલ ગર્ભધારણ માટે આઈવીએફ જેવી આધુનિક પ્રક્રિયાનો સહારો લેવામાં આવે છે, પરંતુ આંકડા દર્શાવે છે કે પ્રથમ પ્રયાસમાં લગભગ ૪૦ થી ૫૦ ટકા કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે.
તેનું મુખ્ય કારણ ‘રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર’ છે, જેમાં ભ્રૂણ ગર્ભાશયની દીવાલ સાથે સફળતાપૂર્વક જોડાઈ શકતું નથી. આ પડકારને પહોંચી વળવા જીબીયુની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ એ એક ખાસ એમઆરએનએ કન્સ્ટ્રક્ટ તૈયાર કર્યું છે.
આ ટેકનોલોજી ગર્ભાશયના આંતરિક સ્તરોની સ્થિરતામાં નોંધપાત્ર વધારો કરશે અને તેને ગર્ભ ધારણ કરવા માટે વધુ સક્ષમ બનાવશે. આ ક્રાંતિકારી થેરાપીના ઉપયોગથી ભવિષ્યમાં આઈવીએફના સફળતાના દરમાં મોટો બદલાવ આવશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે. આ સિદ્ધિ બદલ ટીમને રૂ.૫૦,૦૦૦ની સ્કોલરશિપ અને યંગ લોરિએટ એવોર્ડ જ્યારે ડો રોહિણી નાયરને પણ રૂ. ૧૫,૦૦૦ની ફેલોશિપ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.



