52 વર્ષના વારસાનું સિંચનઃ સતત બીજા વર્ષે ગરવી ગુર્જરીમાં રેકોર્ડ બ્રેક વેચાણ

અમદાવાદઃ ગુજરાત પાસે ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાનો પરંપરાગત વારસો છે. રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) છેલ્લા 52 વર્ષથી ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે.
જીએસએચએચડીસીના ગરવી-ગુર્જરી એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ગરવી-ગુર્જરી હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા દૂરસુદૂર ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે.
આપણ વાંચો: મુખ્ય પ્રધાનને મળતી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન થકી વેચાણથી 36.97 લાખ જમા; કન્યા કેળવણીમાં વપરાશે
ગરવી-ગુર્જરીના વિક્રમી વેચાણ પર નજર નાખીએ તો, વર્ષ 2023-24માં છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ એટલે કે રૂ. 25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું. 2024-25માં તો ગરવી ગુર્જરીએ ગત વર્ષનો રેકોર્ડ તોડીને અંદાજીત રૂ. 31.70 કરોડનું વેચાણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, નિગમ સાથે રાજ્યના આશરે 8000 કરતા પણ વધારે કારીગરો જોડાયેલા છે. નિગમે આ કારીગરોના રૂ. 20.89 કરોડના ઉત્પાદનોની ખરીદી કરી હતી. આમ, નિગમનું વારસાના આ વેલાનું સિંચન કરવાનું મિશન કારીગરો માટે વરદાન બન્યું છે.
નિગમે આ ઉત્પાદનોની ખરીદી કરી પોતાના રાજ્ય અને રાજ્યની બહાર આવેલ વેચાણ કેન્દ્રો થકી રૂ. 14.46 કરોડના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, નિગમે કારીગરોને ઓપન માર્કેટ મળી રહે, તે માટે રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સ્થળોએ મેળા-પ્રદર્શનોનું માસવાર અસરકારક આયોજન કરી રૂ. 17.24 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ લક્ષ્ય હાંસલ કર્યું છે.
આપણ વાંચો: ગુજરાતના કલા-કારીગરોના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની હસ્તકલાની વિરાસત ઘરચોળા કલાને જી.આઇ. ટેગ મળ્યો છે. નિગમના ગરવી ગુર્જરીના વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળાનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે. કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે એનઆઈએફટી સાથે એમઓયુ કર્યા છે.
રાજ્યની હસ્તકલા-હાથશાળને વધુ પ્રોત્સાહન આપતાં નિગમ દ્વારા સ્મૃતિવન- ભુજ, દાંડી કુટિર – ગાંધીનગર, નડાબેટ, શાળઘર ચોરણીયા લીંબડી, સાળંગપુર ખાતે ગરવી ગુર્જરીના નવા શોરૂમ ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ વર્ષે ગરવી ગુર્જરીએ વિવિધ જગ્યાએ પ્રદર્શનો દ્વારા દેશભરના ખરીદદારોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડયો હતો.
આ વર્ષે ગુજરાત ઉપરાંત, મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા, લખનૌ, અમૃતસર, ફરીદાબાદ(હરિયાણા), મૈસુર, ચંદીગઢ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા.