ગુજરાતમાં છ દિવસમાં Ganesh Visarjan દરમિયાન ડૂબી જવાથી 15નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન(Ganesh Visarjan 2024)દરમિયાન બનેલી ડુબવાની દુર્ઘટમાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં શુક્રવારે ગાંધીનગરના દહેગામ તાલુકામાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ યુવાન ડૂબ્યા હતાં. આ પહેલા બુધવારે પાટણની સરસ્વતી નદીમાં ડૂબી જતાં ચાર લોકોનાં, જૂનાગઢમાં એક વ્યક્તિનું અને નડિયાદમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ગાંધીનગરમાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ ડુબ્યા
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે આઠ યુવાન ડૂબ્યા હતા. વાસણા સોગઠી ગામમાં જ રહેતા યુવકો ગણેશવિસર્જન માટે ગયા હતા.
અકસ્માતે નદીમાં ડૂબી જતાં વિજયસિંહ સોલંકી (ઉં.વ.30), રાજકુમાર ચૌહાણ (ઉં.વ.28), મુન્ના ચૌહાણ (ઉં.વ..23), પૃથ્વીસિંહ ચૌહાણ (ઉં.વ.20). ચિરાગકુમાર ચૌહાણ (ઉં.વ.19), ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.વ..18), યુવરાજસિંહ ચૌહાણ (ઉં.વ.17), સિદ્ધરાજ ચૌહાણ (ઉં.વ.17 )8 યુવકનાં મોત નીપજ્યાં હતાં.
આપણ વાંચો: દહેગામમાં ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યાં; 3ના મોત…
નડિયાદમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતાં બે યુવકનાં મોત
ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ગણેશવિસર્જન સમયે ડુબવાની ઘટના બની હતી. ગયા રવિવારે 8મી સપ્ટેમ્બરના રોજ નડિયાદના બીલોદરા શેઢી નદીમાં નડિયાદના અને મંજીપુરાના મામા-ફોઈના દીકરા ગણેશ વિસર્જન કરવા જતાં નદીમાં ડૂબ્યા હતા. જેમાં સંદીપ મકવાણા (ઉ.વ.42) અને કેતન મહેરિયા (ઉ.વ.35)નું મોત નિપજ્યુ હતું.
જૂનાગઢમાં ડૂબી જતાં એક યુવકનું મોત
જૂનાગઢના ખોડિયાર ઘુનામાં બુધવારે ગણેશવિસર્જન સમયે 24 વર્ષીય રોહિત વાઘેલા (ઉ.વ.24)નો યુવક ડૂબ્યો હતો. જેની 12 કલાકની શોધખોળ બાદ ગુરુવારે લાશ મળી આવી હતી.
પાટણની સરસ્વતી નદીમાં ડૂબી જતાં ચાર લોકોનાં મોત
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવાર 5 દિવસના ગણપતિ લાવી એનું પૂજન-અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો.
જ્યાં એક બાળક ડૂબતાં તેને બચાવવા જતાં વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતાં ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત નીતિશભાઇ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઇ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયાં હતાં.