જ્ઞાન ગમ્મતની ગાડી મારી આંગણવાડી
શિક્ષણ સાથે આનંદ-કિલ્લોલ ઓન વ્હીલ
‘એકડે એક, એકડ બગડ બે, એકડ ત્રગડ ત્રણ’… તમે શહેરના રસ્તે પસાર થતા હોવ અને કોઈ બસમાંથી આ પ્રકારના અવાજ સંભળાય તો આશ્ચર્ય ન પામતા…! હા, અમદાવાદ શહેરમાં આજ કાલ ‘આંગણવાડી ઓન વ્હીલ’ પ્રોજેકટ અમલમાં મુકાયો છે, એટલું જ નહી શહેરીજનો માટે આગવા આકર્ષણનું કેન્દ્ર પણ બની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ(ICDS) વિભાગ દ્વારા શહેરમાં હયાત આંગણવાડીથી દૂર એવા વંચિત વિસ્તારમાં ‘જ્ઞાન ગમ્મત ગાડી મારી આંગણવાડી’ ધ્યેય સાથે ‘આંગણવાડી ઓન વ્હીલ’ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે.
શહેરના મોટા ચાર રસ્તા પર જોવા મળતા લાભાર્થિ બાળકો, છૂટા છવાયા વિસ્તારના લાભાર્થિ બાળકો તથા આંગણવાડી કેન્દ્ર નથી તેવા વંચિત વિસ્તારના બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પૂરક પોષણના લાભથી વંચિત ના રહી જાય તેવા ધ્યેય સાથે ગુજરાત CSR ઓથોરિટી દ્વારા ‘જ્ઞાન ગમ્મત ગાડી મારી આંગણવાડી’ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પાંચ મોબાઈલ બસમાં ‘આંગણવાડી ઓન વ્હીલ’ શરુ કરાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad માં બાવીસ બિલ્ડિંગમાં પોડીયમ પાર્કિંગને કોર્પોરેશનની મંજૂરી, પાર્કિગની સમસ્યા હળવી બનશે
અમદાવાદના મેયર શ્રીએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કુલ 2.135 આંગણવાડી ચાલે છે. તેમાં 0 થી 5 વર્ષની વય જૂથના 1.52 લાખ બાળકો લાભ લઈ રહ્યા છે, પરંતુ શહેરના ચાર રસ્તા પર, છૂટા છવાયા વિસ્તારમાં તથા આંગણવાડી કેન્દ્ર નથી તેવા વંચિત વિસ્તારના બાળકો શિક્ષણ તથા પૂરક પોષણના લાભથી વંચિત ના રહી જાય તેવા ધ્યેય સાથે આ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે.
આ માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા 5 બસો ‘આંગણવાડી ઓન વ્હીલ્સ’ માટે ફાળવવામાં આવી છે. આ ૫ બસો શહેરના 4 ઝોનના 9 વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ફરીને કુલ 316 જેટલા બાળકોને લાભ આપે છે.
મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, ‘ શહેરના વંચિત વિસ્તારના 3 થી 6 વર્ષની વય જૂથના બાળકોને સંવેદનાત્મક શિક્ષણ પ્રદાન કરવા મહાનગરપાલિકા કટિબધ્ધ છે. શહેરની શાળઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ અપાય જ છે, પરંતુ જે પરિવારો આર્થિક રીતે નબળા છે અથવા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેમના બાળકોને આવી આંગણવાડીમાં શિક્ષણ અને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આ માટે કોર્પોરેટ કંપનીઓ તેમની સી.એસ.આર પ્રવૃત્તિ દ્વારા આ કાર્યમાં સહયોગ આપે છે તે પ્રશંસનીય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ કામગીરી સાથે સંકળયેલા ડો. સાગર પંચાલે જણાવ્યું હતું કે, ‘જ્ઞાન ગમ્મત ગાડી મારી આંગણવાડી’ પ્રોજેક્ટ અંતર્ગત ‘આંગણવાડી ઓન વ્હીલ’ બાળકોને શિક્ષણ-પોષક આહારની સાથે તેમની આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવા ઉપરાંત બાળકોના યોગ્ય શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાંખવાનો ધ્યેય છે. તેની સાથે મૃત્યુદર, રોગિષ્ઠતા, કુપોષણ અને શાળા છોડી દેવાના પ્રમાણમાં ઘટાડો કરવાનું પણ આયોજન છે.