અમદાવાદ

કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK

અમદાવાદ: વિદેશ જવા પાસપોર્ટ મહત્ત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ રિન્યુ કરાવે છે અથવા તો નવા બનાવે છે. પાસપોર્ટ માટે અત્યાર સુધી ઓરિજનલ દસ્તાવેજ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આમાંથી છૂટકારો મળી શકે છે. ટૂંક સમયમાં એઆ આધારિત વર્ઝન અમલી બનશે. આ માટે ડીજી લોકરમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ ડાઉનલોડ હોવા જોઈએ. નવા અમલ પહેલાં જૂની ફાઈલો ક્લિયર કરવામાં આવશે. તેમજ થોડા સપ્તાહમાં મીઠાખળીનું પાસપોર્ટ કેન્દ્ર બાપુનગર ખસેડવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી આગામી 19 મેથી એઆઇ આધારિત વર્ઝન 0.2 શરૂ કરવા જઇ રહ્યું છે, જેના કારણે નવા કે રિન્યુ પાસપોર્ટ માટે અરજદારોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ 50 ટકા કરી દેવાશે. નવા વર્ઝન પહેલા પાસપોર્ટ કચેરી જૂની પેન્ડિંગ ફાઈલો ક્લિયર કરી દેશે અથવા કાયમી ક્લોઝ કરી દેવાશે. મીઠાખળી પાસે આવેલું પાસપોર્ટ કેન્દ્ર જૂનથી બાપુનગર શિફ્ટ કરવામાં આવશે.

ડીજી લોકરના દસ્તાવેજ રહેશે માન્ય

અરજદારોએ જો ડીજી લોકરમાં પાન, આધારકાર્ડ, લાઈસન્સ, એજ્યુકેશન સર્ટિ ડાઉનલોડ કરેલા હશે તો તો તેમને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ફિઝિકલ દસ્તાવેજ કે ફોટોકોપી લઈ જવાની જરૂર રહેશે નહીં. અરજદારો વ્હાઈટ બેગ્રાઉન્ડ વાળો નક્કી કરેલી સાઇઝનો ફોટો જાતે પાડી શકશે. તે ફોટો અરજદારો પાસપોર્ટમાં લઈ શકશે. અરજદારોના પાસપોર્ટ મુખ્ય પેજ પર આવતી સહી પહેલા નોટપેડ પર કરાવવામાં આવશે.

હાલમાં મીઠાખળી અને વિજય ચાર રસ્તા એમ બે પીએસકેમાં પ્રતિદિન 1500 જેટલી એપોઇન્ટમેન્ટ આપી અરજદારો પાસપોર્ટ સંબંધિત ડોક્યુમેન્ટ સબમિટ કરે છે. નવા વર્ઝનથી સિસ્ટમમાં ક્યાં ટેક્નિકલ અડચણ આવે છે તેને સ્ટ્રીમલાઈન થતાં સમય લાગશે.

બાપુનગરમાં કાર્યરત થશે પીએસકે

અમદાવાદના બાપુનગરમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે બની રહેલા ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. થોડા સપ્તાહમાં તે શરૂ થઈ જાય તેવી શક્યતા છે. આ પાસપોર્ટ કેન્દ્ર 1500 અરજદારોની ક્ષમતાવાળું હશે. આ કેન્દ્ર શરૂ થયા પછી મીઠાખળી ખાતેનું પાસપોર્ટ કેન્દ્ર બંધ કરવામાં આવશે, જોકે વિજય ચાર રસ્તા પાસેનું કેન્દ્ર ચાલુ રહેશે. અમદાવાદ પૂર્વમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં બાપુનગર, નિકોલ, નરોડા, ઈસનપુર, મણિનગર, વસ્ત્રાલ, ખેડા, આણંદ, નડિયાદ અને હિંમતનગર તરફથી આવતાં લોકોને રાહત મળશે. બાપુનગરના પાસપોર્ટ કેન્દ્રમાં એ વિંગના 30થી 35 કાઉન્ટરમાં ડોક્યુમેન્ટ અને ફિંગર લેવાશે. જ્યારે બી વિંગના 10 કાઉન્ટર પરથી ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવશે. જ્યારે સી વિંગના 6 કાઉન્ટર પરથી અંતિમ ફાઈલ ગ્રાન્ટ કરવામાં આવશે.

પાસપોર્ટને લઈ હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે તેવો ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા વિદેશ જવા અંગેની શરતો લાદી શકાય છે પરંતુ પાસપોર્ટ વિભાગ પાસે આવી કોઈ સત્તા નથી તેમ પણ કોર્ટે જણાવ્યું હતું. દુનિયામાં ગમે ત્યાં મુસાફરી કરવી બંધારણનો મૂળભૂત અધિકાર છે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની છે. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેના આધારે પાસપોર્ટ રિન્યુ કરવો કે નહીં તેનો અધિકાર પાસપોર્ટ ઓફિસને નથી. આ સિવાય કોર્ટે કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા પાસપોર્ટ એક્ટ હેઠળના નિયમોનું અર્થઘટન કરવાની પણ ટકોર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button