અમદાવાદમાં રાહદારીઓ માટે SG હાઇવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે: હાઈ કોર્ટના નિર્દેશ બાદ AMCનો નિર્ણય

અમદાવાદ: વડોદરામાં બ્રિજ દુર્ઘટના બાદ હાઈ કોર્ટમાં બ્રિજની પરિસ્થિતિને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન AMC દ્વારા દાવો કરવામાં આવ્યો કે અમદાવાદમાં તમામ બ્રિજ સુરક્ષિત છે. આ ઉપરાંત AMC દ્વારા હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં શહેરમાં બ્રિજની સ્થિતિ અને કામગીરી અંગેનો ઉલ્લેખ કર્યો છે. AMC દ્વારા કહેવાયું છે કે નવા બનતા બ્રિજમાં ખામી ન રહે તેની ચકાસણી કરવામાં આવે છે. નિરીક્ષણ બાદ જર્જરિત બ્રિજની મરામત કરાઈ રહી છે. 2 ફૂટઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ છે. SG હાઇવે પર 5 નવા ફૂટ ઓવરબ્રિજ બનાવશે. શાહીબાગ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એસ.જી હાઇવે પર રાહદારીઓની સલામતી માટે પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટે હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશને પગલે AMCએ આ યોજના હાથ ધરી, જેથી રાહદારીઓને સુરક્ષિત અવરજવરની સુવિધા મળી શકે.
પાંચ નવા ફૂટ ઓવરબ્રિજની યોજના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે એસ.જી હાઇવે પર થલતેજ અંડરપાસ, પકવાન ફ્લાયઓવર અને વૈષ્ણોદેવી સર્કલ નજીક પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજના નિર્માણ માટે હજુ ટેકનિકલ મંજૂરી મેળવવાની બાકી છે. આ પગલું એસ.જી હાઇવે પર વધતા ટ્રાફિક અને રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયું છે, જેથી અકસ્માતો ઘટે અને લોકોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવાની સુવિધા મળે.
ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનમાં રહેલી ખામીઓ અને રાહદારીઓની સલામતીને લઈને AMCને ગંભીર સવાલો કર્યા હતા. જવાબમાં AMCએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે હાઇવેની ડિઝાઇનમાં સુધારો કરવા અને રાહદારીઓની સુરક્ષા માટે ફૂટઓવર બ્રિજનું નિર્માણ જરૂરી છે. આ ઉપરાંત, AMCએ કોર્ટને જાણકારી આપી કે શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ વિસ્તારમાં બે ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને તેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
એસ. જી હાઇ-વે પર વધતા ટ્રાફિક અને રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ ફૂટઓવર બ્રિજનું નિર્માણ મહત્વનું ગણાય છે. ઉલ્લેખનીય છે કે હાઈ કોર્ટે આદેશ ઝડપી કામ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે. જેથી રાહદારીઓને સલામત અને અનુકૂળ સુવિધા મળી શકે. આ બ્રિજના નિર્માણથી ન માત્ર રાહદારીઓની સુરક્ષા વધશે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. AMCએ આ યોજનાને ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેથી શહેરીજનોને વધુ સારી સુવિધાઓ મળે.
આ પણ વાંચો…ગુજરાત હાઈ કોર્ટનો આદેશ: ‘VIP’ ગાડીઓ પણ ટ્રાફિક નિયમો તોડે તો છોડશો નહીં!