અમદાવાદના બાપુનગરમાં વહેલી સવારે 14 દુકાનો બળીને ખાખ! દિવાળી સમયે વેપારીઓને મોટું નુકશાન

અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તાર 14 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી, જોતજોતાંમાં આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ અગ્નિશામક વાહનો સાથે દોડી આવ્યા હતાં અને આગને કાબુમાં (Ahmedabad Fire) લીધી હતી.
અહેવાલ મુજબ, આજે શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યે ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમને આગ લાગી હોવાની જાણ થઇ હતી. ફાયર વિભાગનાં 8 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને સળગી રહેલી દુકાનો પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં આવી એ પહેલા 14માંથી 12 દુકામાં રહેલો સમાન સંપૂર્ણપણે સળગી ગયો હતો અને 2 દુકાનોને આંશિક નુકશાન થયું હતું.
વેપારીઓને મોટું નુકશાન:
મોટાભાગની દુકાનો કપડાં, ફૂટવેર, ઘરવખરી અને સુશોભન માટેની ચીજ-વસ્તુઓ હતી, દિવાળીને ધ્યાનમાં રાખીને દુકાનોમાં વધુ સ્ટોક રાખ્યો હતો. દુકાનો બળીને રાખ થઇ જતાં, વેપારીઓને ભારે નુકસાન થયું છે. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થઇ નથી, જો દિવસના સમયે દુકાનો ગ્રાહકોથી ભરેલી હોત ત્યારે આગ લાગી હોત ગંભીર ઘટના બની હોત.
આગનું કારણ જાણવા તપાસ:
પ્રાથમિક તપાસ મુજબ દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે નુકસાનનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: દિવાળી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 20 ટકાનો વધારો થવાની શક્યતા