
નવા વર્ષના બીજા દિવસે, ભાઈબીજના પવિત્ર પર્વ પર અમદાવાદમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદનગર વિસ્તાર નજીક રેડિયો મિર્ચી રોડ પર આવેલી પાંચ દુકાનોમાં લાગી હતી. દુર્ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગનું કારણ હજુ અકબંધ છે.
આગની ઘટનાના પગલે તાત્કાલિકના ધોરણે ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળ પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો. વહેલી સવારે લાગેલી આ આગથી દુકાનદારોને ભારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે. તપાસ અધિકારીઓ આગના કારણોની શોધમાં લાગ્યા છે, જેમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની શક્યતા વધુ છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે ફટાકડાની આતશબાજીથી ગુજરાતમાં 56 લોકો દાઝ્યા હતા. અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 108 ઇમર્જન્સીને 918 કોલ મળ્યા હતા. દિવાળી દરમિયાન ફટાકડામાંથી આગ લાગવાના અને દાઝવાના અનેક કેસો સામે આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દિવાળી દરમિયાન દાઝવાના કોઈ મોટા કેસ નોંધાયા ન હતા. 20 ઓક્ટોબર સુધીની વિગતો અનુસાર, આગના બનાવો છતાં હોસ્પિટલોમાં નોંધપાત્ર વધારો નહોતો. આ વખતે પણ સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.